રાજ્યમાં પાછલા એક મહિનાથી ગરમી કાળો કેર વરસાવી રહી છે. દિવસેને દિવસે ગરમી પારો ઉચકાતો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે જળ સંગ્રહના સ્તર પર નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયો માં 44.42 ટકા પાણી રહ્યું છે.
24 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 20.40 ટકા પાણી બચ્યું છે, જ્યારે કચ્છના 20 જળાશયમાં 33 ટકા જળ સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 30.98 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.77 ટકા પાણી, સરદાર સરોવર ડેમમાં 53.42 ટકા પાણી બચ્યું છે. રાજ્યના 207 જળાશયની વાત કરીએ તો માત્રને માત્ર 44.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. જ્યારે આ આંકડા ગુજરાત માટે ચિંતા જનક સાબિત થઈ શકે છે.
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે જ્યારે દ્વારકા, પોરબંદર, સુરેદ્રનગરના જળાશયોમાં તળિયા દેખાયા છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના જળાશયોમાં પાણીનું સ્તર ઘટયું છે. ત્યારે ખેડૂતો પાસે સિંચાઈનું પાણી નહીં બચે તો જગતના તાતને મોટું નુકસાન જવાની ભીતી સેવાય રહી છે.