નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસને અંતે ભારતે બે વિકેટના નુકસાન પર 318 રન બનાવ્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ, જેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચમી વખત 150 રનનો આંકડો પાર કર્યો છે. દિવસને અંતે તે 173 રન પર નોટઆઉટ હતો. એ સાથે કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને ક્રીઝ પર હતો.
અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારનાર કે.એલ. રાહુલ આ વખતે 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ અને સાંઈ સુદર્શને વેસ્ટ ઇન્ડિઝના બોલરોને ખૂબ થકવી દીધા હતા. બંને વચ્ચે 193 રનની ભાગીદારી થઈ હતી. સુદર્શને 87 રન બનાવ્યા, જે અત્યાર સુધીના તેમના પાંચ ટેસ્ટ મેચની કેરિયરમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ 251ના સ્કોરે ગુમાવી હતી.
જયસ્વાલની બેવડી સેન્ચુરીને આરે
યશસ્વી જયસ્વાલ પોતાની ટેસ્ટ કરિયરની 48મી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યો છે. તેણે પાંચ વાર કોઈ ઇનિંગમાં 150 રનનો આંકડો પાર કર્યો છે. જો તે બીજા દિવસે ડબલ સદી બનાવી શકશે, તો તે તેના રેડ-બોલ કરિયરની ત્રીજી ડબલ સદી હશે.
પ્રથમ દિવસના ત્રણેય સેશનની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પ્રથમ સેશનમાં માત્ર કે.એલ. રાહુલની વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા હતા. બીજા સેશનમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 126 રન બન્યા હતા. જ્યારે દિવસના અંતિમ સેશનમાં 98 રન બન્યા હતા, પરંતુ ભારતે સાંઈ સુદર્શનની વિકેટ ગુમાવી હતી.
🎥 Play that on loop ➿
Yashasvi Jaiswal with a memorable day for #TeamIndia 😍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/Q9m93uksHi
— BCCI (@BCCI) October 10, 2025
વેસ્ટ ઇન્ડિઝની પ્લેઇંગ ઇલેવન
જોન કેમ્પબેલ, ટેગનરાયમ ચંદ્રપોલ, એલિક એથેનાઝ, શાય હોપ, રોસ્ટન ચેઝ (કૅપ્ટન), ટેવિન ઇમલાચ (વિકેટકીપર), જસ્ટિન ગ્રિવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયર, એન્ડરસન ફિલિપ, જાયડન સીલ્સ.
ભારતની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસવાલ, કે.એલ. રાહુલ, સાય સુધર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નિતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
