નવી દિલ્હીઃ અમેરિકામાં H-1B વિઝા માટે પ્રસ્તાવિત $ એક લાખ ફી લાગુ કરવામાં આવે તો પણ કંપનીઓ દ્વારા આ શ્રમિક વર્ગને નોકરી પર રાખવાની માગમાં ખાસ ઘટાડો નહીં થાય. આ નિષ્કર્ષ અમેરિકન નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ (NBER) દ્વારા કરવામાં આવેલા તાજા અભ્યાસમાં સામે આવ્યો છે.
“H-1B વેતન અંતર, વિઝા ફી અને નિયોક્તાની માગ” શીર્ષક ધરાવતો આ અભ્યાસ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જ્યોર્જ બોર્જાસ દ્વારા લખાયો છે. બોર્જાસ અગાઉ પણ અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ અંગે સલાહ આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે જો વિઝા ફી $ 1.5 લાખથી વધારીને $2 લાખ કરવામાં આવે તો પણ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ભરતીમાં કંપનીઓની રસ ઘટશે નહીં.
H-1B કર્મચારીઓની વેતન સ્થિતિ
બોર્જાસના અભ્યાસ મુજબ મોટા ભાગના કેસોમાં H-1B કર્મચારીઓનું વેતન અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછું હોય છે. તેમણે લખ્યું છે કે સમાન શિક્ષણ, ઉંમર, લિંગ, સ્થાન અને વ્યવસાયને આધારે સરેરાશ H-1B કર્મચારી અમેરિકન કર્મચારી કરતાં લગભગ 16 ટકા ઓછું કમાય છે. કંપનીઓ પ્રમાણે H-1B કર્મચારીઓના વેતનમાં મોટો ફરક જોવા મળે છે. મોટી અમેરિકન ટેક કંપનીઓ જેમ કે મેટા, એપલ અને માઈક્રોસોફ્ટમાં H-1B કર્મચારીઓનું સરેરાશ વેતન લગભગ $ 1.5 લાખ છે. જ્યારે ભારતીય IT સેવાઓ આપતી કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ અને વિપ્રોમાં તે સરેરાશ $ 80,000 જેટલું છે.
બોર્જાસે નોંધ્યું કે મોટી અમેરિકન ટેક કંપનીઓમાં વેતન અંતર ઘણું ઓછું છે. ઉદાહરણ તરીકે, મેટા અને ટેસ્લામાં આ અંતર માત્ર 1થી 3 ટકા જેટલું છે, જ્યારે ભારતીય મૂળની IT આઉટસોર્સિંગ કંપનીઓમાં H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓ કરતાં નોંધપાત્ર ઓછું વેતન મળે છે.
કંપનીઓ અને કર્મચારીઓની સંખ્યા
H-1B કર્મચારીઓની ભરતી માત્ર મોટી કંપનીઓ સુધી મર્યાદિત નથી. આંકડા મુજબ 46,184 અલગ-અલગ કંપનીઓએ ચાર વર્ષમાં ઓછામાં ઓછો એક H-1B કર્મચારી રાખ્યો છે. મોટા ભાગની કંપનીઓએ માત્ર એકથી ત્રણ H-1B કર્મચારીઓની ભરતી કરી છે.


