યુનિવર્સિટીમાં મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો પર તાલિબાનનો પ્રતિબંધ

કાબુલઃ તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો દૂર કર્યાં છે. નવા પ્રતિબંધ હેઠળ માનવ અધિકાર અને યૌન ઉત્પીડન સંબંધિત શિક્ષણને પણ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે.મહિલાઓ દ્વારા લખાયેલાં લગભગ 140 પુસ્તકો – જેમાં સેફ્ટી ઇન ધ કેમિકલ લેબોરેટરી જેવા શીર્ષક ધરાવતાં પુસ્તકો પણ સામેલ છે – તે 680 પુસ્તકોમાં સમાવિષ્ટ છે, જેને શરિયતવિરોધી અને તાલિબાનની નીતિઓ સામે “ચિંતાજનક” ગણવામાં આવી છે. યુનિવર્સિટીઓને જણાવી દેવામાં આવ્યું છે કે હવે તેમને 18 વિષયો ભણાવવાની પરવાનગી નહીં રહે. એક તાલિબાન અધિકારીએ કહ્યું હતું કે આ વિષયો શરિયતના સિદ્ધાંતો અને વ્યવસ્થાની નીતિઓના વિરોધમાં છે.

પુસ્તકોની સમીક્ષા કરનારી સમિતિના એક સભ્યે મહિલાઓ દ્વારા લખાયેલાં પુસ્તકો પર પ્રતિબંધની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે મહિલાઓ દ્વારા લખાયેલાં કોઈ પણ પુસ્તકો ભણાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ઇન્ટરનેટ પર પ્રતિબંધ

લોકોને અનૈતિક વર્તનથી બચાવવા માટે તાલિબાન તરફથી ફાઇબર-ઓપ્ટિક ઈન્ટરનેટ સેવાઓ પર મુકાયેલો સંપૂર્ણ પ્રતિબંધ હવે અનેક પ્રાંતોમાં અમલમાં આવી ગયો છે. ઓગસ્ટ, 2021માં અમેરિકી દળોની પૂર્ણ પરત ફેરી પછી સત્તા કબજે કરનાર તાલિબાન દ્વારા પહેલી વાર આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેને કારણે સરકારી કચેરીઓ, ખાનગી દફતર, જાહેર સંસ્થાઓ અને ઘરો વાઈ-ફાઈ ઈન્ટરનેટ સેવાઓથી વંચિત થઈ ગયાં છે. જોકે દેશમાં મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ હજી ચાલુ છે.

અધિકારીઓનું કહેવું છે કે જરૂરિયાત પૂરી કરવા માટે વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. ઉત્તર બલ્ખ પ્રાંતે મંગળવારે વાઈ-ફાઈ ઈન્ટરનેટ સેવા બંધ થવાની પુષ્ટિ કરી હતી, જ્યારે દેશના અન્ય ભાગોમાં પણ ગંભીર વિક્ષેપની ખબર મળી છે.