સુરતના વી. આર. મોલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

સુરત: શહેરના વી.આર. મોલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ-મેઇલ મળતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઇ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી કે, ‘મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ. જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો.’

આ ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં જ સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો હતો. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમ સાથે કામગીરી આદરી હતી.

સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોરના જણાવ્યા અનુસાર સાંજે 4 વાગ્યાની આસપાસ મેઈલ મળ્યો હતો. સમગ્ર દેશમાં બાવન સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઇ-મેઇલ મળ્યો છે. આથી પોલીસની અલગ-અલગ ટીમો સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી  છે.

અરવિંદ ગોંડલિયા (સુરત)