ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં મહિલા બસ ચલાવશે

સુરત: બે વર્ષના લાંબા ગાળા બાદ BRTSની પિંક બસ માટે મહિલા ડ્રાઈવર મળી ગયા છે. ગુરુવારથી શહેરમાં મહિલાઓ માટે સમર્પિત બસ સેવા શરૂ થઈ છે. ઇન્દોરનીા રહેવાસી અને સિંગલ મધર નિશા શર્માને સુરતના પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ પિંક બસ માટે લાંબા સમયથી મહિલા પાઇલટની શોધ ચાલી રહી હતી.સુરતના ONGC કોલોની BRTS સ્ટેશન પરથી સવારે 11 વાગ્યે ફલેગ ઓફ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સુરતમાં પિંક BRTS બસ નિયમિત દોડતી જોવા મળશે. તેમાં મહિલાચાલકની સાથે મહિલા કન્ડક્ટર પણ રહેશે અને મુસાફરી પણ માત્ર મહિલાઓ જ કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે. વધુ મહિલાઓ આ ક્ષેત્રે આગળ આવે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન વધુ સુરક્ષિત, પ્રદૂષણમુક્ત અને સુવિધાસભર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.મહિલાઓ માટે પિંક BRTS બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી મહિલાચાલક મળતા ન હતા. દરમિયાન નિશા શર્માએ ઇન્દોરના છાપામાં સુરતમાં મહિલા BRTS ડ્રાઈવરની જાહેરાત અંગે વાંચીને સુરત આવવાનું નક્કી કર્યું. સિંગલ મધર હોવાને કારણે પરિવાર સાથે નવા શહેરમાં સ્થાયી થવાનો મોટો પડકાર હોવા છતાં તેઓએ દિવાળી પહેલાં જ હિંમતભેર નિર્ણય લીધો.4 વર્ષના હેવી વ્હીકલ અનુભવ અને કડક માપદંડોમાં તેઓ નિષ્ઠાપૂર્વક ખરા ઉતર્યા. નિશા શર્મા ઇન્દોરમાં 4 વર્ષથી BRTS બસ ચલાવી રહી છે. એક મહિનાની સઘન તાલીમ બાદ હવે તેમને સત્તાવાર રીતે ઓન-બોર્ડ કરવામાં આવ્યા છે. પાલિકાનો દાવો છે કે તેઓ રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ છે. સુરતની મહિલાઓ નિશા શર્માને જોઈ પ્રેરણા મેળવશે અને નજીકના ભવિષ્યમાં બસ દોડાવતી જોવા મળે તો નવાઈ નહીં.

(અરવિંદ ગોંડલિયા- સુરત)