સુરત: ગુજરાતી ફિલ્મોની ગાડી ધીરે-ધીરે સ્પીડ પકડી રહી છે. અમદાવાદ આ ગુજ્જુ ટ્રેનના એન્જિન જેવું છે. અન્ય શહેરો પણ આ ટ્રેનમાં જોડાય રહ્યા છે. ડાયમંડ નગરી સુરત કેમ આમાંથી બાકાત રહે? સુરત પણ ગુજરાતી ફિલ્મો માટે શૂટિંગ સ્પોટ બને અને સુરતી કલાકારોને કામ મળે એ માટે સુરતના ફિલ્મકારો મહેનત કરી રહ્યા છે. એ પ્રયાસના ભાગરૂપે જ સુરતમાં છેલ્લા ચાર વર્ષથી એક અવસર નામે ઇવેન્ટ યોજાય છે. આ વખતે તા – 29મી જૂન, શનિવારે યોજાયો હતો.અવસરના આયોજક હિંમત લાડુમોર અને વૈશાલી જાની ચિત્રલેખા.કોમને કહે છે, “એકતા ફિલ્મ એન્ટરટેન્મેન્ટ દ્વારા ફિલ્મ પરિવાર આપણો પરિવાર થીમ આધારિત અવસર સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયુ છે. જેમાં સુરત જિલ્લાના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાનાં-મોટાં 200 જેટલાં કલા કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામનું ટ્રોફી અને સન્માનપત્રથી સન્માન કરાયું હતું. આ અવસરે જાણીતા ગુજરાતી ફિલ્મસ્ટાર આનંદી ત્રિપાઠી, રાજદીપ, ચાંદની ચોપડા, મોના શાહ, અભિલાષ ઘોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટ વિશે ડિરેક્ટર મહેશ પટેલ ગેરિતા કહે છે, આ અવસરથી કલાકારો એકબીજાના પરિચયમાં આવે. સુરતમાં ગુજરાતી ફિલ્મ માટે કેવું વાતાવરણ છે એ બહારના પ્રોડક્શન હાઉસને જાણ થાય તેમજ સુરત જિલ્લાના કલાકારોને કામ મળી રહે એ હેતુથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગામડા, જ્ઞાતિ, સમાજના સ્નેહ મિલન થઇ શકે તો આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો પણ એક પરિવાર જેવા જ છે. તો એનું સ્નેહ મિલન કેમ નહિ? સુરતના કલાકારો અને સુરત પ્રમોટ થાય એ મુખ્ય હેતુસર જ આ કાર્યક્રમ થાય છે.