સુરતમાં કવિ રઇશ મનીઆરે કર્યો વીર કવિ નર્મદનો ઇન્ટરવ્યુ

સુરત: વીર કવિ નર્મદની 192મી જન્મજયંતિની શહેરમાં ખાસ ઉજવણી કરવામાં આવી. સુરતની 113 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા કલા અને સેવાકીય સંસ્થા માનવ-કલરવના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. શહેરના પી ટી સાયન્સ કોલેજ ખાતે આવેલા તારામોતી ઓડિટરીયમમાં ખીચોખીચ સાહિત્ય અને નર્મદ પ્રેમીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમની અનોખી રૂપરેખામાં નાટક, સંગીત અને કવિ સંમેલનનુ ખૂબ જ કલાત્મક રીતે મિશ્રણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શહેરના જાણીતા કવિ ડૉ. રઈશ મનીઆરે કર્યું હતું. કાર્યક્રમમાં ‘પ્રથમ મરદ’ નામે નર્મદ નાટક ભજવાયું હતું. જેમાં સ્કોપા કોલેજના નાટયવિભાગના વિદ્યાર્થીઓએ દિગ્દર્શક ગિરીશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિ આપી.કવિ નર્મદના પાત્રમાં ઓમ દેસાઈએ નર્મદને સ્ટેજ પર જાણે જીવંત કર્યા. જો નર્મદ હયાત હોય તો એમનો કેવો ઇન્ટરવ્યુ થઈ શકે? એની ઝલક રૂપે રઇશ મનીઆરે નર્મદ સાથે સંવાદ કર્યો હતો અને રોચક પ્રશ્નો પૂછીને શ્રોતાઓને અનોખી રીતે નર્મદના જીવન અને કવનથી વાકેફ કર્યા હતા.ઇન્ટરવ્યુ દ્વારા નર્મદની ઘણી જાણી-અજાણી વાતો લોકોને જાણવા મળી. કાર્યક્રમમાં સ્કોપાના આદિત્ય નાયક સહિતના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદની રચનાઓનું સુંદર ગાન કરવામાં આવ્યું. જેને સંગીતબદ્ધ કરી હતી, જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ.કાર્યક્રમના અંતિમ મણકામાં કવિ સંમેલન યોજાયું. નામાંકિત કવિ કૃષ્ણ દવે, કિરણસિંહ ચૌહાણ તથા વડોદરાના ભરત ભટ્ટ ‘પવન’ એ સ્વરચિત કવિતાઓના ધોધમાર વરસાદ અગાઉ નર્મદની કવિતામાંથી એક પંક્તિ લઈને એના પર લખેલી રચનાઓ પ્રસ્તુત કરી હતી. શ્રોતાઓએ દરેક પ્રસ્તુતિને વધાવી લીધી હતી.

સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પૂર્વ અધ્યક્ષ રાજેશ દેસાઈએ આ પ્રસંગોપાત વાત કરી. માનવ કલરવ સંસ્થાના ડૉ. વિનોદ શાહ અને ડૉ. નીતિન ગર્ગએ કહ્યું કે, નર્મદના વિચારો નવી પેઢી સુધી પહોંચે એવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. ૩ કલાક સુધી આખું વાતાવરણ નર્મદમય બની ગયુ હતું. આવતા વર્ષે પણ આ ઉપક્રમ જળવાશે.