સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા માતા-પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા સાથે આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં માતા-પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે. માતાને 55 જ્યારે પુત્રને 72 ટકા આવ્યા છે.સુરતની ઉત્રાણ વિસ્તારમાં આવેલી મૌની સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ કરતા દેવ પટેલ અને એમની ૩૫ વર્ષીય માતા દીપિકાબહેને આર્ટસના વિષય સાથે ગત માર્ચ મહિનામાં ધો-૧૨ની પરીક્ષા આપી હતી. દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના ૨૨ વર્ષ પછી પરીક્ષા આપી હતી. S.S.C. બાદ દીપિકા બેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે. પુત્રની ધો -૧૨ ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો તેમને પણ ૧૨મા ધોરણની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી અને તેમણે પણ ફોર્મ ભરી દીધું.
(અરવિંદ ગોંડલિયા – સુરત)