ઉદયપુર ફાઇલ્સની રિલીઝ પર સ્ટે લગાવવાનો ‘સુપ્રીમ’ ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફિલ્મ “ઉદયપુર ફાઇલ્સ”ની રિલીઝ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. કોર્ટે કહ્યું હતું કે આ દલીલોના ગુણદોષ પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.⁠ગ્ય આદેશ પસાર કરવાનો અધિકાર દિલ્હી હાઇકોર્ટનો છે. આ ફિલ્મ રાજસ્થાનના દરજી કનૈયાલાલના હત્યાકાંડ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેના વિરોધને લઈને વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે મામલો દિલ્હી હાઇકોર્ટને મોકલી દીધો છે અને અરજીકર્તાઓને ત્યાં દલીલો રજૂ કરવા કહ્યું છે. હાઇકોર્ટે પણ આ મામલે આવતા સોમવારે સુનાવણી કરવા આદેશ આપ્યો છે.

ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટે તેમને હાઇકોર્ટના આદેશ સામે ટોચની કોર્ટમાં અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી છે. આ સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંતે ફિલ્મના વકીલને કહ્યું હતું કે આ તમામ વિવાદોથી તમારી ફિલ્મને સારી પબ્લિસિટી મળી છે. જેટલી વધુ પબ્લિસિટી મળશે, તેટલા વધુ લોકો ફિલ્મ જોવા આવશે. મને નથી લાગતું કે તમારું નુકસાન થશે.

નિર્માતા તરફથી વકીલ ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે ‘સેન્સર બોર્ડ અને સરકારની મંજૂરી પછી પણ મારા આખા જીવનનું મૂડીરોકાણ બરબાદ થયું છે. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે અમે અહીં કોઈ સ્ટે આપવા નથી ઇચ્છતા, આ વિષય હાઇકોર્ટમાં નિર્ધારિત થશે. ગૌરવ ભાટિયાએ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલીઝ માટે 1200 સ્ક્રીન બુક કરવામાં આવી હતી. ઘણું મોટું રોકાણ કરાયું છે. કોઈની લાગણીઓ દુભાઈ એવી દલીલ કરીને કોર્ટમાં સ્ટે માગવામાં આવ્યો હતો.