સોશિયલ મિડિયા કન્ટેન્ટ નિયંત્રણ માટે કેન્દ્રને ‘સુપ્રીમ’ નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોશિયલ મિડિયામાં પ્રસારિત થતા કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તેના પ્રસ્તાવિત માર્ગદર્શનો, જેમાં વિવિધ પ્રકારની સામગ્રી પણ સમાવેશ થાય છે, તે અંગે રેકોર્ડ રજૂ કરવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ માર્ગદર્શનો સમાચાર પ્રસારણ ધોરણ પ્રાધીકરણ (NBSA) સાથેની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવે. સરકારને આ મામલે આવનારા નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ

સુપ્રીમ કોર્ટએ સોમવારે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયામાં પ્રભાવશાળી લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ કરે છે. તેમની ટિપ્પણીઓથી વિવિધ સમાજના વર્ગોની લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા રહે છે, જેમાં દિવ્યાંગ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અલ્પસંખ્યકોનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંત અને જજ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે પોડકાસ્ટ જેવા ઓનલાઇન શો સહિત સોશિયલ મિડિયામાં આચરણને નિયમિત કરવા માટે રાષ્ટ્રીય પ્રસારકો અને ડિજિટલ એસોસિયેશન સાથેની ચર્ચા બાદ માર્ગદર્શનો પર કામ કરો. તેનો હેતુ એ છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિવિધ સમુદાયોને સમાજમાં સન્માન સાથે જીવવાનો સમાન રૂપે મહત્વનો અધિકાર — બન્ને વચ્ચે સંતુલન જાળવાય.

જજ બાગચીએ કહ્યું હતું કે જ્યારે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ કરો છો, ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે સમાજના કેટલાક વર્ગોની લાગણીઓને ઠેસ ન પહોંચે. જજ કાંતે કહ્યું હતું કે દિવ્યાંગ લોકો અંગે અસંવેદનશીલ જોક્સ બનાવીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો બંધારણીય હેતુ સંપૂર્ણપણે ખંડિત થાય છે.

જજ બાગચીએ માન્યું કે હાસ્ય જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ હળવાશમાં સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ. કેન્દ્ર તરફથી હાજર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જવાબ આપ્યો હતો કે પ્રસ્તાવિત માર્ગદર્શનોનો પ્રાથમિક હેતુ સોશિયલ મિડિયા યુઝર્સને સંવેદનશીલ બનાવવાનો રહેશે, પરંતુ જો કોઈ ઉલ્લંઘન કરે છે તો તેણે જવાબદારી લેવી પડશે. આમાંથી ઘણા મિડિયા બ્લોગ્સ તમારા પોતાના અહંકારને પોષણ કરનારા હોય છે.