ડબલ્યુ.વી. રામન બન્યા ભારતની મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ તરીકે ભૂતપૂર્વ ઓપનર ડબલ્યુ.વી. રામનને નિયુક્ત કર્યા છે. વુરકેરી વેંકટ રામનની સામે મુખ્ય હરીફ હતા સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન, પરંતુ ક્રિકેટ બોર્ડે દેશી રામનને પસંદ કર્યા છે.

53 વર્ષીય રામન હાલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે.

બીસીસીઆઈની એડ-હોક પસંદગી સમિતિ માટે તો કર્સ્ટન જ પ્રથમ પસંદગી હતા, પરંતુ કર્સ્ટન આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કોચ તરીકેનું એમનું પદ છોડવા માગતા નહોતા એટલે રામનને મહિલા ટીમનું કોચપદ મળી ગયું.

પસંદગી સમિતિમાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી હતાં.

પેનલે ક્રિકેટ બોર્ડને ત્રણ નામની ભલામણ કરી હતી. કર્સ્ટન, રામન અને વેંકટેશ પ્રસાદ. ક્રિકેટ બોર્ડે આખરે રામનને પસંદ કર્યા છે.

મહિલા ટીમનાં કોચની પસંદગીની પ્રક્રિયાને રોકી દેવાની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)નાં સભ્ય ડાયના એડલજીએ ચેરમેન વિનોદ રાયને વિનંતી કરી હતી. આમ, COAમાં વિખવાદ ઊભો થયો હતો તે છતાં રામનની નિમણૂક કરી દેવામાં આવી છે.

બીસીસીઆઈના ખજાનચી અનિરુદ્ધ ચૌધરીએ પણ કોચની પસંદગીની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યો હતો, કારણ કે એ માટે વિનોદ રાયની મંજૂરી મળી હતી, પણ એડલજીની નહીં.

રામન ભારત વતી 11 ટેસ્ટ મેચ અને 27 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા. એમને દેશમાં સૌથી ક્વાલિફાઈડ કોચમાંના એક તરીકે ગણવામાં આવે છે. એમણે તામિલ નાડુ અને બંગાળ જેવી રણજી ટ્રોફીની મોટી ટીમોને કોચિંગ આપ્યું છે. ભારતની અન્ડર-19 ટીમના પણ તેઓ કોચ રહી ચૂક્યા છે.

ગેરી કર્સ્ટન

રામને 1992-93માં ભારતીય ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસ વખતે સદી ફટકારી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલા જ ભારતીય છે.

મહિલા ટીમના કોચ પદ માટે કર્સ્ટન, રામન અને પ્રસાદ સહિત 28 જણે અરજી કરી હતી. આમાં મનોજ પ્રભાકર, ટ્રેન્ટ જોન્સન, દમિત્રી મસ્કરેન્હાસ, બ્રેડ હોગ, કલ્પના વેંકટાચાર જેવાઓનો સમાવેશ થાય છે.

એમાંથી ત્રણ જણના વ્યક્તિગત રીતે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. કર્સ્ટન સહિત પાંચ જણનો સ્કાઈપ પર ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને એક જણનો ફોન પર ઈન્ટરવ્યૂ લેવાયો હતો.

રમેશ પોવાર – વિવાદાસ્પદ મુદત

કર્સ્ટનના કોચ પદ હેઠળ ભારતીય પુરુષ ટીમે 2011માં વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.

કર્સ્ટન 2008-2011 સુધી, ત્રણ વર્ષ સુધી ભારતની મેન્સ ટીમના કોચ રહ્યા હતા. ત્યારબાદ બે વર્ષ તેઓ પોતાના જ દેશની ટીમના કોચ બન્યા હતા. હાલ એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના હેડ કોચ છે.

મહિલા ટીમનાં વચગાળાનાં કોચ હતા રમેશ પોવાર. પરંતુ, ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે એમની વિરુદ્ધ ફરિયાદ કર્યાં બાદ પોવાર વિવાદાસ્પદ બની ગયા હતા. એમણે પણ પદ માટે ફરી અરજી કરી હતી. એમનો પણ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. ડાયના એડલજીની ઈચ્છા હતી કે પોવારને કોચ પદે ચાલુ રાખવા જોઈએ, પરંતુ વિનોદ રાયે નવેસરથી અરજી મગાવવાનો બીસીસીઆઈના ટોચના અધિકારીઓને આદેશ આપ્યો હતો.

પોવારની વિવાદાસ્પદ મુદત ગઈ 30 નવેમ્બરે પૂરી થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]