સાઉથમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીંના રોઝ બોલ મેદાન પર રમાતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ આજે છઠ્ઠા દિવસે રમાશે. વરસાદને કારણે આ મેચના બે દિવસ આખા ધોવાઈ ગયા છે. તે ઉપરાંત બાકીના ત્રણ દિવસમાં પણ ખરાબ હવામાન અને વરસાદના વિઘ્નને કારણે ઘણો સમય વેડફાઈ ગયો છે. હવે આજે આખરી દિવસે આ મેચનું પરિણામ શું આવે છે તેની પર બધાયની મીટ મંડાયેલી છે.
ક્રિકેટની રમતના ઈતિહાસમાં આ પહેલી જ વાર WTC ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતનો પહેલો દાવ 217 રનમાં પૂરો થયો બાદ ન્યૂઝીલેન્ડનો પહેલો દાવ ગઈ કાલે પાંચમા દિવસે ટી-બ્રેક પૂર્વે 249 રનમાં પૂરો થયો હતો. કિવી ટીમે ભારત પર 32 રનની લીડ મેળવી છે. પાંચમા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં શુભમન ગિલ (8) અને રોહિત શર્મા (30)ની વિકેટો ગુમાવીને 64 રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા 12 અને કેપ્ટન વિરાટ કોહલી 8 રન સાથે દાવમાં હતો.
વરસાદનો અવરોધ નડશે એની સંભાવનાને ધ્યાનમાં લઈને આઈસીસી સંસ્થાએ આ મેચ માટે એક અનામત દિવસ રાખ્યો હતો, જેની જરૂર પડી છે. હવે આજે છઠ્ઠા દિવસે ભારત જીતશે? ન્યૂઝીલેન્ડ જીતશે? કે મેચ ડ્રો જશે? આમાંનું કોઈ પણ પરિણામ આવી શકે છે. જો વરસાદ રમતને ખોરવી નાખશે અને મેચ અધૂરી રહી જશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવશે. આજના દિવસ માટે હવામાન વિભાગની આગાહી ક્રિકેટરસિયાઓને આનંદ અપાવે એવી છે કે આજે આકાશ સ્વચ્છ રહેશે. વરસાદની જરાય સંભાવના નથી.
