વર્લ્ડ રેકોર્ડઃ 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ટીમ

નવી દિલ્હીઃ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો સ્કોર તો સામાન્ય વાત છે, પરંતુ એક ટીમે સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. મંગોલિયાની ટીમે સિંગાપુરની વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. મંગોલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 10 ઓવરમાં માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમને નામે T20I ક્રિકેટનો સૌથી નીચો સ્કોર બનવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

મંગોલિયાની ટીમના પાંચ બેટ્સમેનો ખાતું પણ નહોતું ખોલાવી શક્યા. બાકીના છ બેટ્સમેનોએ કુલ મળીને માત્ર આઠ રન બનાવ્યા હતા. બે રન સિંગાપુરના બોલરોએ એક્સ્ટ્રા આપ્યા હતા. મંગોલિયાનો કોઈ બેટર બે રનથી વધુ નહોતો બનાવી શક્યો. મંગોલિયાના 10 રનના જવાબમાં સિંગાપુર માત્ર પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 11 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ પહેલાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ 10 રનનો હતો. એ રેકોર્ડ આઇલ ઓફ દેશની ટીમે સ્પેનની વિરુદ્ધ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડની બરાબરી થઈ છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર એ 2024ની આ મેચમાં હર્ષા ભારદ્વાજે સિંગાપુર તરફથી ત્રણ રન આપીને છ વિકેટ લીધી હતી. આ રીતે 17 વર્ષીય લેગ સ્પિનરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજો બોલિંગનો શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ કર્યો છે. બીજી બાજુ, મંગોલિયાએ સતત ચોથી મેચમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચારે મેચમાં મંગોલિયાનો સ્કોર બહુ ઓછો રહ્યો હતો.