દંતકથાસમાન ક્રિકેટર ધોનીને હેપી બર્થડે…

ભારતનો સૌથી સફળ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2004માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ કરનાર વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન ધોની એનાં ચાહકો માટે છે – કેપ્ટન કૂલ, માહી, MSD.

ધોનીના નેતૃત્ત્વ હેઠળ ભારતે 2011માં ઘરઆંગણે આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. એની સૌથી યાદગાર ઈનિંગ્ઝ રહી 2005માં પાકિસ્તાન સામે 148 રનની.

ધોની માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મહાન ક્રિકેટરોમાં ગણાઈ રહ્યો છે. એના જન્મદિવસે એની કારકિર્દીને ટ્રિબ્યૂટ આપતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ પણ એક ખાસ વિડિયો ક્લિપ તૈયાર કરાવી છે. આઈસીસી સંસ્થાએ ધોનીને ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખનાર ક્રિકેટર તરીકે ઓળખાવ્યો છે.

httpss://twitter.com/ICC/status/1147369582392295424

આ જ ધોની માટે ક્રિકેટની સફર એટલી આસાન નહોતી રહી. એક સાધારણ યુવકમાંથી દુનિયાના મહાન ક્રિકેટર બનવા માટે એને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીનો પરિવાર

મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ઝારખંડના (પહેલા બિહારના) રાંચી શહેરમાં 7 જુલાઈ, 1981માં મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. એના પિતાનું નામ પાનસિંહ અને માતાનું નામ દેવકી છે. ધોનીનું પૈતૃક ગામ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાનું લાવલી ગામ છે. પાનસિંહ ધોની રાંચીમાં કેન્દ્ર સરકાર હસ્તકની મેકોન કંપનીમાં નોકરી કરતા હતા અને એમને રહેવા માટે સરકારી ઘર મળ્યું હતું. દેવકી ધોની ગૃહિણી હતાં. મહેન્દ્ર સિંહ ધોનીને એક બહેન છે જયંતી અને ભાઈ છે નરેન્દ્ર. જયંતી ગુપ્તા શિક્ષિકા છે અને મોટો ભાઈ નરેન્દ્ર રાજકારણમાં છે.

ધોનીએ સાક્ષી સિંહ રાવત સાથે લગ્ન કર્યાં છે અને બંનેને એક દીકરી છે – ઝીવા.

MSDને શરૂઆતમાં જ બેડમિન્ટન અને ફૂટબોલમાં વિશેષ રસ હતો.

ધોની રાંચીની જવાહર વિદ્યામંદિર સ્કૂલમાં ભણ્યો હતો અને ત્યાંથી જ એ બેડમિન્ટન અને ફૂટબોલ રમતો. એની પસંદગી જિલ્લા અને ક્લબ લેવલની ટીમોમાં કરવામાં આવી હતી. એ પોતાની ફૂટબોલ ટીમમાં ગોલકીપર પણ હતો. એને તેના ફૂટબોલ કોચે જ ક્રિકેટ રમવા માટે એક સ્થાનિક ક્રિકેટ ક્લબમાં મોકલ્યો હતો. એ ક્યારેય ક્રિકેટ રમ્યો નહોતો તે છતાં ગોલકીપિંગની ક્ષમતાને કારણે એનાં ક્રિકેટ વિકેટકીપિંગ કૌશલ્યથી ત્યારે સૌકોઈ પ્રભાવિત થયા હતા. પરિણામે 1995માં એની પસંદગી જિલ્લા, ક્લબ સ્તરની કમાન્ડો ક્રિકેટ ક્લબ ટીમમાં કરાઈ. એ ટીમમાં તે નિયમિત વિકેટકીપર બન્યો. ત્યારબાદ એને 1997-98ની વિનૂ માંકડ ટ્રોફી માટે અન્ડર-16 ટીમ સ્પર્ધામાં પસંદ કરાયો. એમાં તેણે સરસ દેખાવ કર્યો હતો. 10મું ધોરણ પાસ કર્યા બાદ ધોનીએ ક્રિકેટ પર વધારે ધ્યાન આપવા માંડ્યું અને તે ઝડપથી સારો ક્રિકેટર બન્યો.

12મું ધોરણ પાસ કર્યા બાદ એને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લેવાનું હતું, પણ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે એણે ભણતર અધવચ્ચે જ છોડી દીધું.

લાંબા વાળનો શોખીન MSD

ધોની કિશોર અને યુવાવસ્થામાં લાંબા વાળ રાખવાનો શોખ રાખતો હતો. ત્યારે એ બોલીવૂડ અભિનેતા જોન અબ્રાહમનો ચાહક હતો. આજે પણ બેઉ પાકા મિત્રો છે. બંનેને મોટરબાઈક્સ માટે ઘણો લગાવ છે. બંને મિત્રો પાસે બાઈક્સનું ઘણું મોટું અને સારું કલેક્શન છે.

ધોનીનાં લાંબા વાળની પ્રશંસા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે પણ કરી હતી. મુશર્રફ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે ધોનીને લાંબા વાળ ન કપાવવાની સલાહ આપી હતી, પણ ધોની અવારનવાર એની હેરસ્ટાઈલ બદલવાનો પણ શોખીન રહ્યો છે.

વિકેટકીપર તરીકે ધોની ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનો નાનપણથી ચાહક છે. તે ઉપરાંત સચીન તેંડુલકર, અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરનો મોટો પ્રશંસક છે.

ધોનીનાં જીવન પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી – ‘એમએસધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી અને એમાં ધોનીનું પાત્ર સુશાંતસિંહ રાજપૂતે ભજવ્યું હતું.

ધોનીને સંડોવતા અમુક વિવાદ

ધોની અમુક વિવાદોમાં સંડોવાઈ ચૂક્યો છે. જેમ કે, 2007માં એની કોલોનીનાં રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે ધોની રોજ 15 હજાર લીટર પાણી વેડફી નાખે છે. એ મામલો ઝારખંડ હાઈકોર્ટ સુધી ગયો હતો. આખરે કોર્ટને એવું ધ્યાનમાં આવ્યું હતું કે કોલોનીના જ અમુક લોકોએ ખોટી માહિતીના આધારે ધોની સામે ફરિયાદ કરી હતી. આખરે એ લોકોએ ધોનીની માફી પણ માગી હતી.

ધોની એક વાર ઓછો ટેક્સ ચૂકવવાના વિવાદમાં પણ ફસાયો હતો. એવો આરોપ હતો કે એણે અમેરિકન કંપની દ્વારા નિર્મિત એક એસયૂવી કારનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે કારની કંપનીનું નામ મહિન્દ્રા સ્કોર્પિયો લખાવ્યું હતું. એને કારણે એને 4 લાખ રૂપિયાને બદલે માત્ર 53,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડી હતી.

ફિક્સિંગનો વિવાદ

ધોની 2013માં આઈપીએલ સ્પર્ધા વખતે બહાર આવેલા મેચફિક્સિંગના વિવાદમાં પણ સંડોવાયો હતો. જોકે તેની પરનો આરોપ સાબિત થઈ શક્યો નહોતો.

2016માં ધોનીને આમ્રપાલી કંપનીએ એના હાઉસિંગ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો, પરંતુ પૈસા ચૂકવ્યા બાદ પણ ઘર ન મળ્યાની ઘણા લોકોએ ફરિયાદ કરી હતી. લોકોએ ધોનીને ટ્રોલ કર્યો હતો. આખરે ધોનીએ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપ્યું હતું અને કંપનીથી અંતર કરી લીધું હતું. 2018માં એણે આમ્રપાલી સામે કેસ પણ કર્યો હતો અને આરોપ મૂક્યો છે કે કંપનીએ એને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવા બદલ 150 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.

ધોની સોશિયલ મિડિયા પર લોકપ્રિય

ધોની ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર સક્રિય છે અને એનાં અઢળક ફોલોઅર્સ, ફેન્સ છે.

ધોનીની આવક-સંપત્તિ

ધોની પાસે બિનસત્તાવાર રીતે અંદાજે 700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એને આ સંપત્તિ ક્રિકેટ મેચોમાં રમીને, કમર્શિયલ જાહેરખબરોમાં ચમકીને અને બીજા વિવિધ વ્યાપાર કામોમાં સામેલ થઈને મેળવી છે. એની વાર્ષિક આવક અંદાજે રૂ. 102 કરોડ જેટલી છે.

ધોનીની રમવાઈ સ્ટાઈલ

ધોનીનો ફેવરિટ શોટ છે – હેલિકોપ્ટર શોટ. આ શોટ રમતાં એને તેના એક મિત્રએ શીખડાવ્યું હતું. મિત્રવર્તુળમાં એ માહી તરીકે જાણીતો છે. ધોની આક્રમક બેટ્સમેન છે. 1998-99માં બિહાર ક્રિકેટ ટીમ વતી રમતાં એણે આપેલા યોગદાનને ધ્યાનમાં લઈને એની પસંદગી ભારતીય-A ટીમમાં કરવામાં આવી હતી. એ ટીમ કેન્યામાં રમવા ગઈ હતી. એ ટ્રાયેન્ગ્યુલર સીરિઝ હતી. ત્રીજી ટીમ હતી – પાકિસ્તાન A. પાકિસ્તાની ટીમ સામેની મેચમાં એણે સેન્ચુરી ફટકારી હતી અને એ જ વર્ષમાં એની પસંદગી ભારતની રાષ્ટ્રીય ટીમમાં કરાઈ હતી.

ધોની મોટેભાગે બેકફુટ રમવા માટે અને મજબૂત બોટમ હેન્ડ ગ્રિપ માટે જાણીતો છે. એ બહુ ઝડપથી બેટ ઘૂમાવે છે. છૂટક રન દોડવામાં પણ એ ખૂબ જ ઝડપી રહ્યો છે, તો સ્ટમ્પ્સની પાછળ ઊભીને વીજળીક વેગે સ્ટમ્પિંગ કરીને હરીફ બેટ્સમેનને આઉટ કરવામાં એની ચપળતા અને નિપુણતા વિશ્વમાં વિખ્યાત થઈ છે.

ધોનીની આઈપીએલ કારકિર્દી

ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન રહ્યો છે. પહેલી સીઝનમાં એની પસંદગી 10 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. એના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર સીઝનમાં જીત મેળવી છે.

ધોનીનાં રેકોર્ડ્સ

ધોની ભારતનો પહેલો એવો વિકેટકીપર છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન બનાવ્યા છે. સુકાની તરીકે એણે ભારતને 27 મેચોમાં જીત અપાવી હતી. એ સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન પણ બન્યો છે. એની આગેવાની હેઠળ ભારતે 2007માં આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ, 2009માં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2011માં ODI વર્લ્ડ કપ, 2013માં ODI ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

કેપ્ટન તરીકે ધોની કુલ 331 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. કેપ્ટન તરીકે આટલી બધી ઈન્ટરનેશનલ મેચો રમનાર એ પહેલો કેપ્ટન છે. એણે આંતરરાષ્ટ્રીય મેચોમાં 200થી વધારે સિક્સરો ફટકારી છે. આટલી બધી સિક્સર કોઈ કેપ્ટને મારી નથી. કેપ્ટન તરીકે સૌથી વધારે ટ્વેન્ટી-20 મેચો જીતવાનો વિક્રમ પણ ધોનીનાં નામે છે.

ધોનીનાં એવોર્ડ્સ

2007માં ધોનીને ભારત સરકાર તરપથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરાયો હતો.

2009માં એને પદ્મશ્રીથી સમ્માનિત કરાયો હતો અને 2018માં પદ્મવિભૂષણથી.

2011માં ધોનીને ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી તરફથી ધોનીને માનદ્દ ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ધોની બે વાર આઈસીસી ODI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પણ હાંસલ કરી ચૂક્યો છે.

ધોની આ વર્ષમાં અત્યાર સુધીમાં 16 મેચોમાં 550થી વધારે રન બનાવી ચૂક્યો છે. એમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. વર્તમાન વર્લ્ડ કપમાં એ સાત મેચોમાં 44.60ની એવરેજ સાથે 223 રન કરી ચૂક્યો હતો.

2014માં એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો અને 2017ના જાન્યુઆરીમાં એણે વન-ડે ટીમનું સુકાનીપદ છોડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]