વલસાડ, વાપી જળબંબાકાર; મધુબન ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીમાં પૂર આવ્યું

0
2556

વલસાડ – દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધોધમાર હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને વલસાડ, વાપી, દમણમાં હાલત વધારે ખરાબ છે. ત્યાં ઘણા ખરા વિસ્તારો જળબંબાકાર થયા છે.

વલસાડમાં બનાવવામાં આવેલા મધુબન ડેમમાં ૨,૧૦,૬૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. એને કારણે ડેમના ૭ દરવાજા ૫.૨૦ મીટરે ખોલી દેવામાં આવ્યા હતા. ડેમમાંથી 15 હજાર ક્યૂસેકથી વધારે પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતાં આસપાસના વિસ્તારો જળબંબાકાર થયા છે. શોપિંગ મોલ, દુકાનો, રહેણાંક સોસાયટીઓમાં, હાઈવે પર… એમ બધે જ પાણી ભરાયા છે.

દમણગંગામાં પૂર આવતાં જિલ્લા પ્રશાસને નદીના કિનારે ન જવાની લોકોને ચેતવણી આપી છે.

વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો છે. આ પૂલ વાંકલ અને ફલધરા ગામોને જોડતો હતો. ભારે વરસાદને કારણે તૂટી પડેલો આ પૂલનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

વાપીમાં શનિવાર મધરાતે 12થી આજે સવારના 10 સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે વરસાદ કપરાડામાં પડ્યો છે – 229મિમી. તો ઉમરગામમાં 163 મિમી, ધરમપુરમાં 106 મિ.મી., પારડીમાં 118 મિમી, વલસાડમાં 182 મિ.મી. વરસાદ પડતાં પૂર જેવી હાલત સર્જાઈ છે.

ગઈ આખી રાત વરસાદ પડતાં મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.

હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર થઈ છે.

મુંબઈ તરફ જતા વાહનવ્યવહાર અને રેલવે સેવાને અવળી અસર પડી છે. વલસાડ અને વાપીમાં ભારે વરસાદને કારણે મુંબઈ તરફની તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડી રહી હોવાનું પશ્ચિમ રેલવેએ ટ્વીટ દ્વારા જણાવ્યું છે.