‘વર્લ્ડકપ માટે મોહમ્મદ શામીને શુભેચ્છા નહીં આપું’: હસીન જહાં (ભૂતપૂર્વ પત્ની)

કોલકાતાઃ હાલ રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં ભારતીય ટીમ માટે જોરદાર બોલિંગ દેખાવ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને શુભેચ્છા આપવાનો એની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 33 વર્ષીય મોહમ્મદ શામીને સ્પર્ધામાં પહેલી ચાર મેચમાં રમવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ પાંચમી મેચમાં એને રમવા મળ્યું એ સાથે જ તે છવાઈ ગયો છે અને હાલ ટીમનો સૌથી સફળ બોલર બન્યો છે. એણે 4 મેચમાં 7.00ની સરેરાશ સાથે 16 વિકેટ લીધી છે. પાંચ-વિકેટનો દેખાવ એણે બે મેચમાં કરી બતાવ્યો છે. તદુપરાંત ચાર-વિકેટ એણે એક મેચમાં લીધી છે. આ સનસનાટીભર્યો દેખાવ એણે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામેની મેચોમાં કર્યો હતો.

આખો દેશ આજે શામીના દેખાવની પ્રશંસા કરી રહ્યો છે અને બાકીની મેચોમાં પણ તે આવો જ દેખાવ કરે એવી તેને શુભેચ્છા આપવામાં આવી રહી છે, પરંતુ એની ભૂતપૂર્વ પત્ની હસીન જહાં શામીને શુભેચ્છા આપવા રાજી નથી. ન્યૂઝ નેશનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, હું ભારતીય ટીમને મારી શુભેચ્છા આપીશ, પણ એને નહીં.

હસીન જહાંને મોહમ્મદ શામીથી એક પુત્રી થઈ છે – આયરા. તે આજે 8 વર્ષની થઈ છે.

મોહમ્મદ શામી પર હસીન જહાંએ વ્યભિચાર, વૈવાહિક બળાત્કાર, મેચ-ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ મૂક્યા બાદ બંને જણ તલાકના ખૂબ કઠિન સમયગાળામાંથી પસાર થયાં હતાં. શામીએ આ બધા આરોપોને રદિયો આપ્યો હતો. શામીની ધરપકડ કરાવવા માટે અરેસ્ટ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તેના અમલ પર પશ્ચિમ બંગાળની એક સેશન્સ અદાલતે સ્ટે ઓર્ડર મૂક્યો છે. તે ઓર્ડરને રદબાતલ કરાવવા માટે હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પણ હાઈકોર્ટે તેને નકારી કાઢી હતી. તે પછી હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.