મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ તેના દ્વારા આયોજિત આગામી T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધા માટે વિવિધ ઈનામી રકમ જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિનાથી શરૂ થનાર આ મેગા સ્પર્ધામાં પરાજીત થનાર ટીમો પણ માલામાલ થવાની છે.
વિવિધ ઈનામની રકમઃ (કુલ 56 લાખ ડોલર)
- વિજેતા ટીમને – 13 કરોડ રૂપિયા (16 લાખ ડોલર)
- રનર્સ-અપ ટીમને – 6.52 કરોડ રૂપિયા (8 લાખ ડોલર)
- સેમી ફાઈનલ હારનાર બંને ટીમોને – 3.26 કરોડ રૂપિયા (4-4 લાખ ડોલર)
- (આ ઉપરાંત સુપર-12 રાઉન્ડમાં વિજેતા બનનાર અને એક્ઝિટ કરનાર ટીમોને તથા પહેલા રાઉન્ડમાં વિજયી થનાર અને એક્ઝિટ કરનાર ટીમોને માટે પણ ઈનામી રકમ રાખવામાં આવી છે)
સ્પર્ધામાં ગઈ વેળાની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ઉપરાંત 2007ની પ્રારંભિક સ્પર્ધાની વિજેતા ભારત, 2010ની વિજેતા ઈંગ્લેન્ડ, 2009ની વિજેતા પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટીમો સુપર-12 સ્ટેજમાં રમવા માટે નિશ્ચિત થઈ છે. પહેલા રાઉન્ડમાં રમનાર ટીમો છેઃ 2014ની વિજેતા શ્રીલંકા, નામીબિયા, નેધરલેન્ડ્સ, યૂએઈ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, બે વખત ચેમ્પિયન બનનાર વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે.
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાનાર આ સ્પર્ધામાં સ્પર્ધામાં કુલ 16 ટીમને રમાડવામાં આવશે. તેઓ વચ્ચે કુલ 45 મેચો રમાશે. મેચો સાત શહેરના સ્ટેડિયમમાં રમાશે – એડીલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડની.