ભારત-SA T20I મેચને જ્યારે સાપે અટકાવી

ગુવાહાટીઃ અહીંના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ગઈ. હાઈ-સ્કોરિંગ મેચમાં ભારત 16-રનથી જીતી ગયું હતું. મેચમાં કુલ 458 રન થયા હતા. ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 237 રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 221 રન કર્યાં હતા. ડેવિડ મિલર 47 બોલમાં 106 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 7 સિક્સર અને 8 બાઉન્ડરીવાળી એની સદી ફોગટ ગઈ હતી. ત્રણ મેચોની સીરિઝ ભારતે 2-0થી જીતી લીધી છે. ત્રીજી અને શ્રેણીની આખરી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે.

ગઈ કાલની મેચમાં બે કારણસર અવરોધ ઊભો થયો હતો. બંને ટીમના દાવ વખતે એક-એક અવરોધ આવ્યો હતો. પહેલા બનાવમાં, ભારતના દાવ વખતે સાતમી ઓવરને અંતે એક સાપ મેદાનમાં ફરતો દેખાયો હતો. સાઉથ આફ્રિકાનો વેન પાર્નેલ એક્સ્ટ્રા કવર સ્થાને ફિલ્ડિંગ કરતો હતો ત્યારે એણે તે સાપને જોયો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. મેદાનના કર્મચારીઓ તરત જ લાકડીઓ અને એક બાલદી હાથમાં લઈને મેદાનમાં દોડી ગયા હતા અને સાપને પકડી લીધો હતો.

બાદમાં, સાઉથ આફ્રિકાના દાવ વખતે ત્રીજી ઓવર ચાલુ હતી ત્યારે સ્ટેડિયમના ટાવર પરની એક ફ્લડલાઈટ ઓફ્ફ થઈ ગઈ હતી. રમત દસેક મિનિટ માટે બંધ રાખવામાં આવી હતી. લાઈટ્સ ફરી ચાલુ થયા બાદ રમત ફરી શરૂ કરાઈ હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]