ધોનીના ક્રિકેટ ભવિષ્ય વિશે ગાંગુલી પસંદગીકારો સાથે 24મીએ ચર્ચા કરશે

કોલકાતા – ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખપદની ચૂંટણી માટે માત્ર એમણે જ ઉમેદવારી નોંધાવી છે. 23 ઓક્ટોબરે નવા પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. ગાંગુલી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.

બીસીસીઆઈના પ્રમુખ તરીકે પોતાની કામગીરીની શરૂઆત પોતે કેવી રીતે કરશે એ પણ ગાંગુલીએ જણાવી દીધું છે. તેઓ ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ક્રિકેટ ભવિષ્ય અંગે 24 ઓક્ટોબરે પસંદગીકારો સાથે બેસીને ચર્ચા કરશે.

39 વર્ષીય ધોની ગત્ વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો છે. એ આવતા મહિને બાંગ્લાદેશ સામે રમાનાર ત્રણ મેચોની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં પણ રમવાનો નથી. એ સિરીઝ માટેની ભારતીય ટીમની પસંદગી 24 ઓક્ટોબરે કરવામાં આવશે.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ પસંદગીકારોએ અવારનવાર જણાવ્યું છે કે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધાને ધ્યાનમાં રાખીને તેઓ ટીમની રચના કરશે.

ગઈ કાલે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે 24 ઓક્ટોબરે પસંદગીકારો સાથે વાતચીત કરીને હું ધોની વિશે નિર્ણય લઈશ. પસંદગીકારો ધોનીનાં ક્રિકેટ ભવિષ્ય વિશે શું વિચારે છે તે જાણવા હું ઉત્સૂક છું.

ગાંગુલીએ કહ્યું કે હું ધોની સાથે પણ વાત કરીશ. એ પોતાના ભવિષ્ય વિશે શું વિચારે છે એ પણ મારે જાણવું જરૂરી છે.

ગાંગુલી 23 ઓક્ટોબરથી બીસીસીઆઈનો કારભાર સંભાળી લેશે.

ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે પોતે પસંદગીકારો અને કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ વાતચીત કરશે. નવા બંધારણ અનુસાર, એ બેઠકમાં કોચ (રવિ શાસ્ત્રી)ને સામેલ કરવામાં નહીં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]