રાજકારણમાં ગૂગલીઃ બીસીસીઆઈમાં સૌરવ ગાંગુલી અને રાજસ્થાનમાં જાટ

ક્રિકેટ કરતાંય રાજકારણમાં ગૂગલી બોલ વધારે નંખાતા હોય છે. સ્પર્ધક સામે સીધી સ્પર્ધાના બદલે તેમને ગૂંચવી નાખવાનો વ્યૂહ વધારે ઉપયોગી થતો હોય છે. રાજકારણમાં એક બીજા પ્રકારની ગૂગલી પણ ચાલતી હોય છે. તે હોય છે – કાર્યક્રમ એક જગ્યાએ, ફાયદો બીજી જગ્યાએ. ચીનના પ્રમુખને આવકારવા માટેનો પ્રસંગ હતો, પણ ત્યારે વધુ એકવાર તમિળ ભાષામાં સ્વાગતનું પ્રથમ વાક્ય બોલીને ઇરાદો તામિલનાડુની પ્રજાને રાજી કરવાનો હતો. પણ આ લેખમાં તેની વાત નથી. આ લેખમાં બીસીસીઆઈના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીને બેસાડીને યુવાન બંગાળીઓને ખુશ કરવા નખાયેલી ગૂગલીની વાત છે. એવી જ રીતે હરિયાણાના જાટની નારાજી દૂર કરવા માટે જાટ ગૂગલી રાજસ્થાનમાં નાખવામાં આવી છે.

સૌરવ ગાંગુલી સોમવારે સર્વાનુમતે બીસીસીઆઈના પ્રમુખ બની ગયાં. રવિવારે કોઈના ફોન આવ્યાં અને રાતોરાત બધું નક્કી થઈ ગયું. સોમવારે બપોરે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ અને માત્ર ગાંગુલીની જ ઉમેદવારી આવી, બ્રજેશ પટેલ સ્પર્ધામાંથી હટી ગયાં. બીસીસીઆઈના પ્રમુખની ચૂંટણીની તારીખ 23 ઑક્ટોબરની હતી, પણ સોમવાર 14 ઑક્ટોબર ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતી. સોમવારે અન્ય કોઈએ ઉમેદવારી ન કરી તેથી સૌરવ ગાંગુલી સર્વાનુમતે પ્રમુખ બની ગયાં છે.

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈનો હવાલો એક કમિટીને સોંપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે રાજકારણીઓ ક્રિકેટની આ સંસ્થાથી દૂર રહે. પણ તેનો રસ્તો રાજકારણીઓએ શોધી કાઢ્યો છે. રાજકારણીના સગાઓ ક્રિકેટની સંસ્થાઓને કબજે કરવા લાગ્યાં છે. ગુજરાતમાં અમિત શાહે અને પરિમલ નથવાણીએ ક્રિકેટ બોર્ડનો કબજો કરી લીધો પછી હવાલો પોતપોતાના સંતાનોને સોંપી દીધો હતો. રાજકોટમાં પણ નિરંજન શાહના દીકરાને બેસાડી દેવાયાં છે. ઘરના ભૂવા અને ઘરના જતિ એટલે ધૂણતો ભૂવો નાળિયેર ઘર બાજુ જ ફેંકે. અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના મંત્રી બન્યાં છે. એ જ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા અનુરાગ ઠાકુરના ભાઈને ખજાનચી બનાવી દેવાયાં છે.

33 મહિનાથી બીસીસીઆઈનો વહીવટ સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિથી ચાલી રહ્યો છે. આ દરમિયાન પણ વિવાદો નથી થયાં એવું નથી, પણ ફરીથી હવે રાજ્યોના બોર્ડના પ્રતિનિધિઓમાંથી બીસીસીઆઈનું માળખું તૈયાર થવાનું છે, ત્યારે બંગાળી બાબુ સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રમુખ બનાવીને બંગાળીઓને ખુશ કરવાની ગૂગલી નાખવામાં આવી છે.

દીદી સામે દાદા. સૌરવને બંગાળમાં સૌ દાદા તરીકે ઓળખે છે. દાદા એટલે મોટા ભાઈ. દીદી સામે મોટા ભાઈને મૂકવામાં આવશે. બંગાળમાં ભાજપે ચારે બાજુથી એકઠા કરેલા પક્ષપલટુઓ છે, તેથી સૌરવ ગાંગુલી જેવો ચહેરો કામ આવે. આ નિમણૂક કંઈ કેન્દ્ર સરકાર નથી કરવાની, પણ આજે કોઈના પેટનું પાણી પણ કેન્દ્રની સરકારને પૂછ્યા વિના હલતું નથી, ત્યારે સૌરવ ગાંગુલીને ક્રિકેટના ટાઇગર અમે બનાવ્યાં તેવો પ્રચાર બંગાળમાં નહી થાય તેની કોઈ ખાતરી નથી.

મોટા મોટા કૌભાંડો થયાં તે વખતે ક્રિકેટ બોર્ડ પર જેમનો કબજો હતો તે શ્રીનિવાસન જૂથ હજી પણ કબજો છોડવાના મૂડમાં નહોતું. શ્રીનિવાસન જૂથના ટેકા સાથે બ્રજેશ પટેલ મેદાનમાં હતાં. મુંબઈમાં રવિવારે બોર્ડના સભ્યોની બિનસત્તાવાર બેઠક મળી હતી, તેમાં આખરે ‘સમજૂતી અને સમાધાન’ થઈ ગયું અને સૌરવ ગાંગુલીને સર્વાનુમતે સોમવારે બીસીસીઆઈના પ્રમુખ બનાવવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

બ્રજેશ પટેલને કોઈક રીતે મનાવી લેવાયાં છે. કદાચ આઈપીએલના ચેરમેન તેમને બનાવી દેશે. સૌએ મળીને કુલડીમાં ગોળ ભાંગી લીધો છે. કેવો કંસાર થશે તેની ખબર પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે પડશે. સૌરવ ગાંગુલીએ અત્યાર સુધી ભાજપ માટે પ્રચાર કરવાની કોઈ વાત કરી નથી. પણ તેમણે ના પણ પાડી નથી. તામિલનાડુમાં રજનીકાંત લોટાની જેમ આમતેમ ડોલ્યાં કરે છે, પણ વચ્ચે વચ્ચે ભાજપની વાહવાહી કરી લે છે. સૌરવ ગાંગુલી શું કરે છે તેના પર નજર રહેશે, કેમ કે આ તેમની સામે ફેંકવામાં આવેલી ગૂગલી પણ છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 33 મહિના પછી ચૂંટાયેલું બોર્ડ આવશે, પણ હવે બે વાર નિમણૂક વચ્ચે કુલિંગ પિરિયડ રાખવાનો આદેશ છે. બંગાળ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીને ફક્ત 15 મહિના જ બીસીસીઆઈના પ્રમુખ રહેવા મળશે. ડિસેમ્બર 2020 સુધીની આ મુદત છે અને તે પછી ફરીથી ચૂંટણી આવશે. તેથી સૌરવે વિચારવાનું રહેશે કે તેમણે માત્ર એક જ વર્ષ પ્રમુખ રહેવું છે કે બીજી મુદત પણ જોઈએ છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી એવો પ્રચાર કરે છે, કે જુઓ, આ બધા ગુજરાતીઓ અને યુપી-બિહાર આવીને અહીં અડ્ડો જમાવી રહ્યાં છે. પોતે જ બંગાળને બચાવી શકશે, તેવા તેમના પ્રચારની હવા ગાંગુલીને ક્રિકેટના ટાઇગર અમે બનાવ્યાં છે એવું કહીને કાઢી નાખી શકાય છે. બંગાળીઓને જોકે ફૂટબોલ પર એટલો જ પ્રેમ છે, પણ ગાંગુલી બંગાળી બાબુઓ માટે ગૌરવનું પ્રતીક છે. તેમને ક્રિકેટના વહીવટનો સર્વોચ્ચ પદ મળે તેથી બંગાળીઓ રાજી જ થાય. અને ગુજરાતીઓએ જ તેમને ક્રિકેટના ટાઇગર બનાવ્યાં છે તે વાત બંગાળીઓ માટે અછાની રહેવા દેવામાં આવશે નહીં.

હરિયાણા માટેની ગૂગલી રાજસ્થાનમાં

હરિયાણા માટેની રાજકીય અને જ્ઞાતિવાદી ગૂગલી રાજસ્થાનથી ફેંકવામાં આવી છે. ઝેરનું મારણ ઝેર એમ ભાજપે જ્ઞાતિવાદનું મારણ જ્ઞાતિવાદ એવું કર્યું છે એમ કહેવાના બદલે, એમ કહેવું જોઈએ કે જ્ઞાતિવાદનું કારણ જ્ઞાતિવાદ. ભાજપે જ્ઞાતિવાદી ગણતરીઓ એવી રીતે ગોઠવી છે કે સત્તા તેના હાથમાં રહે અને શક્તિશાળી જ્ઞાતિઓ અંદરોઅદર લડતી રહે. 2014માં તેની શરૂઆત થઈ હતી, પણ યુપીની ચૂંટણી અને તે પછી 2019માં સ્પષ્ટપણે બિનઅનામત વર્ગની મજબૂત વૉટબેન્ક ભાજપે બનાવી લીધી છે. આ વૉટબેન્કની સામે દરેક રાજ્યમાં સૌથી મોટી વૉટબેન્ક હોય તે જ્ઞાતિને એકલી પાડી દેવાની ચાલ ભાજપે ચાલી છે.તે જ ચાલના ભાગરૂપે હરિયાણામાં જાટ જ્ઞાતિને એકલી પાડીને તેની સામે બધી જ્ઞાતિને ઉશ્કેરવામાં આવી છે. તેનો ફાયદો પાંચ વર્ષ પહેલાં મળ્યો હતો. જાટ વિરોધી મતોને એકઠા કરીને સત્તા મેળવ્યાં પછી ભાજપે પંજાબી ખટ્ટરને મુખ્ય પ્રધાન બનાવ્યાં હતાં. તે રીતે જાટવિરોધી જ્ઞાતિઓને ફળ પણ આપ્યું. આ વખતે જાટને ટિકીટો પણ ઓછી આપવામાં આવી છે. (કોંગ્રેસે પણ ગયા વખતે કરતાં જાટને ઓછી ટિકિટો આપી છે.)

પેંતીસ-એક (35-1) એવું સૂત્ર ખાનગીમાં ચાલે છે. 35 ટકા જાટ સામે બધાં એક. બીજું એક તરફ કોંગ્રેસ બેરોજગારીની વાત કરી રહ્યું હતું ત્યારે ભાજપના પ્રમુખે સભામાં સ્પષ્ટ ઇશારો કર્યો. તેમણે કહ્યું કે હરિયાણામાં માત્ર સગાંવાદ પ્રમાણે નોકરીઓ અપાતી હતી. તેના બદલે ખટ્ટર સરકારે પારદર્શિતા લાવી બધાને નોકરી મળે તેવું કર્યું છે. નોકરીઓ સાવ ઓછી મળી છે તે વાત જ ભૂલાઈ ગઈ અને બિનજાટ લોકો રાજીના રેડ થઈ ગયાં. તે લોકો રાજીના રેડ થઈ ગયાં કે હવે જાટ પુત્તરને પણ નોકરીઓ મળતી નથી. (પોતાને નથી મળતી તેનું દુઃખ બીજા પરના ખુન્નસને કારણે ઓછું થઈ ગયું.)
આ વાત કંઈ અછાની નથી અને જાટ લોકો પણ જાણી ગયાં છે, પણ કરવું શું તે સમજાતું નથી. કેમ કે મોટી વૉટબેન્ક હોય એટલે તેમાં જૂથો અનિવાર્ય છે. જાટ મતો માટે પ્રાદેશિક દેવીલાલના પૌત્રોની પાર્ટીઓ છે. કોંગ્રેસ પણ જાટ મતો માટે આધારે રાખે છે અને હૂડા તેમના જાટ નેતા છે. તેથી જાટ મતો વહેંચાઈ જાય અને બાકીની જ્ઞાતિઓમાં જાટ પ્રત્યે દ્વેષ પેદા કર્યો હોય, તે બધા જ ભાજપને મત આપે.

આ જ ફોર્મ્યુલા એકથી વધુ રાજ્યોમાં સફળતાપૂર્વક ચાલી છે. ગુજરાતમાં પટેલ સામે બીજી જ્ઞાતિઓને, મહારાષ્ટ્રમાં મરાઠા સામે બીજી જ્ઞાતિઓને, યુપી અને બિહારમાં યાદવો સામે બીજી જ્ઞાતિઓને, રાજસ્થાનમાં રાજપૂત સામે બીજી જ્ઞાતિઓને, કર્ણાટકમાં વોક્કાલિગા અને લિંગાયત સામે બીજી જ્ઞાતિઓને, દિલ્હીમાં ગુર્જર સામે બીજી જ્ઞાતિઓને ઊભી કરવામાં આવી છે.પરંતુ કોઈ જ્ઞાતિ સામે પોતાને વેર છે તેવું કોઈ રાષ્ટ્રીય પક્ષ રાખી શકે નહીં. તેથી હરિયાણામાં જાટને કોરાણે કર્યા પછી રાજસ્થાનમાં પક્ષપ્રમુખ તરીકે હાલમાં જ જાટ નેતા સતીશ પૂનિયાને મૂકવામાં આવ્યાં છે. અગાઉ રાજપૂત-મરાઠા વસુંધરા રાજે મુખ્ય પ્રધાન હતાં ત્યારે બેલેન્સ કરવા માટે સૈની જ્ઞાતિના મદનલાલ સૈનીને મૂકવામાં આવ્યા હતા. ભૈંરોસિંહ શેખાવત વખતથી એવી પરંપરા પડી હતી કે ભાજપ જીતે તો રાજપૂત મુખ્યપ્રધાન બને. વસુંધરાને રાજપૂત કરતાંય મૂળ મરાઠા અને જાટ રજવાડાંને ધ્યાનમાં રાખીને પસંદ કરાયા હતાં. રાજસ્થાનમાં નવા રાજપૂત નેતા તરીકે રાજ્યવર્ધન રાઠોડ આગળ વધી રહ્યાં છે તેવી છાપ પડી હતી. પરંતુ ભાજપમાં કોઈ નેતા આગળ વધતા જણાય ત્યારે પાછળથી તેમને પાડી દેવાની કોંગ્રેસી ચાલ હવે ચાલે છે.

આ ચાલ પ્રમાણે રાજ્યવર્ધનસિંહ રાઠોડને આ વખતે કેન્દ્રમાં પ્રધાનપદેથી પડતા મૂકાયાં. રાઠોડ ટટ્ટાર ચાલવા લાગ્યાં હતાં અને તેમને લાગતું હતું કે રાજેની જગ્યાએ કદાચ પોતાને મુખ્યપ્રધાન બનવા મળશે. જોકે ભાજપની સરકાર જ આ વખતે બની નહીં. તે પછી કેન્દ્રમાં પ્રધાનપદું પણ ન મળ્યું, ત્યારે રાઠોડ માટે રાહ જોયા સિવાય છૂટકો નહોતો. અઢી મહિના પહેલાં મદનલાલ સૈનીનું અવસાન થયું ત્યારે ફરી એકવાર રાઠોડ અને રાજપૂત જૂથને આશા હતી કે પ્રદેશ પ્રમુખપદ તેમને મળશે. ભવિષ્યમાં સીએમની ખુરશીની દાવેદારી રાઠોડ કરી શકે તે માટે પ્રમુખપદ કામ લાગે. પરંતુ અહીં પૂનિયાને મૂકી દેવાયા છે.

પૂનિયાને મૂકીને રાજસ્થાનમાં રાઠોડ અને રાજપૂત જૂથને ભાજપના મોવડીઓએ ક્લિનબોલ્ડ કર્યાં છે, પણ આ ગૂગલી હરિયાણા માટેની પણ છે. હરિયાણામાં જાટને ઓછું મહત્ત્વ આપ્યાં પછી તેમની અવગણના પણ ન કરી શકે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કોઈ મોટા વૉટ બ્લોકની અવગણના ન કરે. ભાજપ પણ ન કરે. તેથી બિનજાટ લોકોને રાજી રાખ્યાં પછી જાટ લોકોને પણ રાજી રાખવાની તક રાજસ્થાનમાં મળી. જાટને પ્રમુખપદ આપીને ભવિષ્યમાં હરિયાણામાં નહીં તો રાજસ્થાનમાં જાટ મુખ્યપ્રધાન આપીશું તેવી ગૂગલી હરિયાણા માટેની છે એમ તમે સમજોને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]