દુબઈઃ અહીં રમાતી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમનો સતત બીજો પરાજય થયો છે. ચોથી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે હાર્યા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ગઈ કાલે શ્રીલંકા સામે હારી ગઈ. ગઈ કાલની મેચમાં શ્રીલંકા ભારતને 6-વિકેટથી હરાવી ગયું. ભારતે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 173 રન કર્યા બાદ શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટના ભોગે 174 રન કરીને મેચ જીતી લીધી હતી. આ પરિણામ સાથે ફાઈનલમાં પહોંચવાની ભારતીય ટીમની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. શર્માના 72 રન ફોગટ ગયા છે જ્યારે શ્રીલંકાના કેપ્ટન દસુન શાનકાના અણનમ 33 રને એની ટીમને જીત અપાવવાની સાથે એને પોતાને ‘પ્લેયર ઓફ મેચ’નો એવોર્ડ અપાવ્યો છે. પથુમ નિસંકા (52) અને કુસલ મેન્ડિસ (57)ની જોડીએ પહેલી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ત્યારબાદ ચાર વિકેટ પાડવામાં ભારતના સ્પિનર સફળ થયા હતા. લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે એમાંની 3 વિકેટ લીધી હતી. અન્ય ઓફ્ફસ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી હતી. પરંતુ એ પછી ભાનુકા રાજપક્ષા (25 નોટઆઉટ) અને શાનકાની જોડી 64 રનની અતૂટ ભાગીદારી કરીને શ્રીલંકાને જીત અપાવી હતી. ભારત હવે સુપર-4 રાઉન્ડમાં તેની આખરી મેચ 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. ટોચની બે ટીમ ફાઈનલમાં રમવા ક્વાલિફાઈ થશે. હાલ પોઈન્ટ્સ ટેબલમાં શ્રીલંકા બે મેચ જીતીને 4 પોઈન્ટ સાથે મોખરે છે. પાકિસ્તાન બીજા નંબરે, ભારત ત્રીજે અને અફઘાનિસ્તાન ચોથા નંબરે છે. આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ છે અને 9 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકાનો મુકાબલો થશે. જો પાકિસ્તાન અફઘાનિસ્તાનને હરાવી દેશે તો એના 4 પોઈન્ટ થશે અને ભારત સ્પર્ધામાંથી બહાર થઈ જશે.
મેચ બાદ જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તારી ટીમે ક્યાં ભૂલ કરી? તો રોહિત ભડકી ગયો હતો. એણે કહ્યું, ‘અમારે 10-15 રન વધારે બનાવવાની જરૂર હતી. બેટરોએ જવાબદારીપૂર્વક રમવું જોઈએ. ફટકા મારતી વખતે સાવચેતી રાખવી જોઈએ. અમારી ટીમ ઘણા વખતથી સારું રમતી હતી. આ પ્રકારની હારથી ટીમે કંઈક શીખવું પડશે.’