WFI સસ્પેન્શનને આગામી સપ્તાહે પડકારશેઃ સંજય સિંહ

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા સસ્પેન્શનને આગામી સપ્તાહે પડકારશે. એ સાથે ફેડરેશને આગામી વ્યૂહરચના પર ચર્ચા માટે 16 જાન્યુઆરીએ અહીં કાર્યકારી સમિતિની બેઠક પણ બોલાવી છે. સરકારે રાષ્ટ્રીય ખેલ સંહિતા અને WFI બંધારણના ઉલ્લંઘનનો હવાલો આપીને ફેડરેશનની ચૂંટણીના ત્રણ દિવસ પછી 24 ડિસેમ્બરે નવી સંસ્થાને સસ્પેન્ડ કરી દીધી હતી. WFIએ કહ્યું હતું કે એ ના તો સસ્પેન્શન સ્વીકાર કરે છે અને ના તો સ્પોર્ટ્સના દૈનિક કેસોના વહીવટ માટે IOA દ્વારા રચિત પેનલને માન્યતા આપે છે.

WFIના અધ્યક્ષ સંજય સિંહે જણાવ્યું હતું કે અમને યોગ્ય રીતે કામ કરતા ફેડરેશનની જરૂર છે. અમે આ મામલો આવતા સપ્તાહે કોર્ટમાં લઈ જઈ રહ્યા છે. અમને સસ્પેન્શન સ્વીકાર્ય નથી, કેમ કે અમે લોકશાહીથી ચૂંટાઈ આવ્યા છે. અમે 16 જાન્યુઆરીએ કાર્યકારી સમિતિની બેઠક પણ બોલાવી છે. વારાણસીમાં રહેતા સિંહે તર્ક આપ્ય હતો કે કેવી રીતે સંકટના સમયે કામ કરવા માટે પેનલ યોગ્ય નહોતી.

તેમણે કહ્યું હતું કે મને એવા પહેલવાનોના ફોન આવી રહ્યા છે, જેમણે વિચાર્યું હતું કે તેઓ ભારતીય ટીમમાં જગ્યા મેળવવા લાયક છે. તેમણે કહ્યું હતું કે જો તેમને ટ્રાયલના માધ્યમથી ખુદને સાબિત કરવાની તક મળે તો તેઓ ટીમમાં જગ્યા બનાવી શકે છે. એ જ કારણ છે કે એક યોગ્ય ફેડરેશનની જરૂર છે.