ચંડીગઢઃ આજે આખી દુનિયા ભયાનક કોરોના વાઈરસના ફેલાવાથી ગભરાયેલી, પરેશાન છે અને આમાંથી ભારત અને પાકિસ્તાન પણ બાકાત નથી. તે છતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એવું સૂચન વહેતું મૂક્યું કે કોરોના વાઈરસનો સામનો કરવા માટે ભંડોળ ઊભું કરવાની જરૂર છે અને એ માટે ભારત-પાકિસ્તાન વચ્ચે 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ યોજવી જોઈએ.
અખ્તરના આ સૂચનને દંતકથાસમાન ક્રિકેટર કપિલ દેવે ફગાવી દીધું છે. કપિલે કહ્યું છે કે ભારતને કોરોના સામે લડવા માટે પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી અને હાલનો સમય ક્રિકેટ મેચ યોજવા માટે યોગ્ય નથી, એમ કરવાથી લોકોના જાન જોખમમાં મૂકાય.
અખ્તરે પીટીઆઈ સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં એવું સૂચન કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને દેશે કોરોના વાઈરસનો સામનો કરવા માટે સંયુક્ત રીતે ભંડોળ એકઠું કરવું જોઈએ અને એ માટે એક ક્લોઝ્ડ-ડોર ક્રિકેટ સિરીઝ યોજવી જોઈએ. પરંતુ કપિલ દેવે કહ્યું કે આ સૂચન વ્યવહારુ નથી.
કપિલ દેવે પણ પીટીઆઈને જ જણાવ્યું છે કે અખ્તરને પોતાનો અભિપ્રાય આપવાનો હક છે, પરંતુ આપણા દેશને પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે પૂરતા પૈસા છે. આપણા માટે અત્યારે મહત્ત્વનું એ છે કે આપણા સત્તાવાળાઓ સાથે મળીને આ મહાકટોકટીનો કેવી રીતે સામનો કરે છે. હું જોઉં છું કે ટીવી પરની ચર્ચામાં નેતાઓ એકબીજા પર દોષારોપણ કરે છે. આ બધું બંધ થવાની જરૂર છે.
કપિલે કહ્યું કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારને રૂ. 51 કરોડની સહાયતા કરી છે અને જરૂર લાગે તો વધારે પૈસાનું દાન કરવા માટે બોર્ડ સમર્થ છે. એટલે પૈસા ઊભા કરવાની કોઈ જરૂર નથી.
1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું કે હાલતુરંત પરિસ્થિતિ રાબેતા મુજબની થાય એવું લાગતું નથી એટલે ક્રિકેટ મેચ યોજીને આપણા ક્રિકેટરોના જાન જોખમમાં મૂકવાની આપણે કોઈ જરૂર નથી.
કપિલ દેવનું તો કહેવું છે કે આવતા પાંચથી છ મહિના સુધી ક્રિકેટ રમવાનું ટાળવું જોઈએ.
જ્યારે પરિસ્થિતિ રાબેતા મુજબની થશે ત્યારે ક્રિકેટ આપોઆપ ફરી શરૂ થશે. દેશ કરતાં કોઈ રમત મોટી હોવી ન જોઈએ. અત્યારે જરૂર છે ગરીબ લોકો, હોસ્પિટલોમાં સેવા બજાવતા લોકોની તથા કોરોના સામેના જંગમાં આગળ પડતા રહેતા લોકોની સંભાળ લેવાની, એમ પણ 61 વર્ષીય કપિલ દેવે કહ્યું.
બીજા તમામ ભારતીયોની જેમ કપિલ દેવ પણ હાલ એમના ઘરમાં જ રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરે છે. ‘નેલ્સન મંડેલા તો 27 વર્ષ સુધી એક નાનકડી કોટડીમાં રહ્યા હતા. એની સામે આપણે તો નસીબદાર છીએ કે આપણા પોતાના ઘરમાં જ રહીએ છીએ અને તે પણ થોડાક સમય સુધી જ રહેવાનું છે.’