કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી પરાજયને પગલે કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડી દેવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે છેલ્લા અમુક મહિનાઓથી વણસેલાં સંબંધોને કારણે કોહલીએ ટેસ્ટ ટીમનું નેતૃત્ત્વ છોડી દીધું હોવાના અહેવાલો વચ્ચે ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે રાજીનામું આપવાનો કોહલીનો નિર્ણય એનો અંગત છે. ક્રિકેટ બોર્ડ તેના નિર્ણયનો આદર કરે છે. ‘કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમે રમતની તમામ ફોર્મેટમાં ઝડપથી સફળતાઓ હાંસલ કરી હતી… એનો નિર્ણય અંગત છે અને બીસીસીઆઈ એનો ખૂબ જ આદર કરે છે… આ ટીમને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એ ટીમનો મહત્ત્વનો સભ્ય બની રહેશે. મહાન ખેલાડી. વેલ ડન,’ એમ ગાંગુલીએ સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે.
કોહલી સાત વર્ષ સુધી ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો અને આ ફોર્મેટમાં તે ભારતનો સૌથી સફળ કેપ્ટન બની રહ્યો છે. તેના નેતૃત્ત્વ હેઠળ ભારતે દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ સીરિઝ જીતી હતી અને લાંબા સમય સુધી ‘ટેસ્ટ ગદા’ જાળવી રાખી હતી. ક્રિકેટ બોર્ડ કોહલીને વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હટાવી ચૂક્યું છે જ્યારે કોહલીએ ટ્વેન્ટી-20 ટીમનું સુકાનીપદ પોતાની મરજીથી છોડ્યું હતું.