એડીલેડઃ ઓસ્ટ્રેલિયા સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની બાકીની 3-મેચમાં ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપીને કેપ્ટન વિરાટ કોહલી આજે સવારે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. કોહલી તેની પત્ની અનુષ્કા એમનાં પ્રથમ સંતાનને જન્મ આપવાની છે તેથી એની પાસે રહેવા માટે કોહલી શ્રેણીની પહેલી મેચ રમીને ભારત આવી રહ્યો છે. આ છૂટ (પેટરનિટી લીવ) એણે ક્રિકેટ બોર્ડ પાસેથી પહેલેથી જ લઈ લીધી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે.
કોહલી જોકે નિરાશ મૂડ સાથે ઓસ્ટ્રેલિયામાંથી રવાના થયો છે, કારણ કે એડીલેડમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતનો 8-વિકેટે શરમજનક પરાજય થયો હતો. ભારતનો બીજો દાવ માત્ર 36 રનમાં પૂરો થઈ ગયો હતો. એકેય બેટ્સમેન ડબલ ફીગરમાં પહોંચ્યો નહોતો. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછા સ્કોરનો દાવ બન્યો છે. ઓસ્ટ્રેલિયાથી રવાના થતા પૂર્વે જોકે કોહલીએ એના સાથીઓને કહ્યું હતું કે તમે સિરીઝની બાકીની મેચોમાં તમારો શ્રેષ્ઠ દેખાવ કરજો. ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેમજ એમનો સકારાત્મક અભિગમ જળવાઈ રહે એ માટે તેણે સાથીઓને આ સલાહ આપી છે.