દુબઈઃ આઈસીસી યોજિત T20 વર્લ્ડ કપ આજથી 17 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં શરૂ થઈ છે. કુલ 45 મેચો રમાશે. 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચી દેવાઈ છે. A અને B ગ્રુપ ક્વાલિફિકેશન ગ્રુપ છે જ્યારે 1 અને 2 ગ્રુપ ‘સુપર 12’ છે. ગ્રુપ- Aમાં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ અને નામિબીયા છે. ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુઆ ન્યૂ ગીની અને ઓમાન છે. ગ્રુપ-1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને A-1, B-2 છે. ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A-2, B-1 છે. 23 ઓક્ટોબરથી ગ્રુપ 1 અને 2 વચ્ચે મુકાબલા શરૂ થશે. સ્પર્ધામાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે – 24 ઓક્ટોબરે. બે સેમી ફાઈનલ 10 અને 11 નવેમ્બરે અને ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે.
આઈસીસી દ્વારા આયોજિત એક મિડિયા વાર્તાલાપ કાર્યક્રમમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમમાં ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનની પસંદગીને યથાર્થ ગણાવી હતી. 35 વર્ષીય સ્પિનર અશ્વિન ચાર વર્ષ પછી T20 ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં ફરી સામેલ કરાયો છે. છેલ્લે એ 2017ના જુલાઈમાં રમ્યો હતો. કોહલીએ કહ્યું કે આઈપીએલમાં મોટા ફટકાબાજ બેટ્સમેનો સામે હિંમતભરી બોલિંગ કરવા બદલ દિલ્હી કેપિટલ્સના અશ્વિનને ઈનામ રૂપે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. એની બોલિંગમાં ઘણી વિવિધતા હોય છે અને બોલની ગતિ ઉપર નિયંત્રણ રાખવાની એ કાબેલિયત ધરાવે છે. અશ્વિને 2021માં 13 આઈપીએલ મેચોમાં સાત વિકેટ લીધી હતી. ગયા વર્ષની આઈપીએલમાં એણે 15 મેચોમાં 13 વિકેટ લીધી હતી.