મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમ જાહેર કરી છે. કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમમાં આશાસ્પદ ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મલિકની આ પહેલી જ આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે. વિકેટકીપર-બેટર રીષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે ઘોષિત કરાયો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી જેવા સિનિયર ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે જ્યારે હાલની આઈપીએલમાં ઝમકદાર દેખાવ કરનાર વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિકને ટીમમાં ફરી સામેલ કરાયો છે.
ભારતીય T20I ટીમ આ મુજબ છેઃ
કે.એલ. રાહુલ (કેપ્ટન), રીષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
ભારત-સાઉથ આફ્રિકા T20I મેચોઃ
પહેલી મેચ 9 જૂન – દિલ્હી (અરૂણ જેટલી સ્ટેડિયમ)
બીજી મેચ 12 જૂન – કટક (બારાબતી સ્ટેડિયમ)
ત્રીજી મેચ 14 જૂન – વિશાખાપટનમ (રેડ્ડી સ્ટેડિયમ)
ચોથી મેચ 17 જૂન – રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
પાંચમી મેચ 19 જૂન – બેંગલુરુ (ચિન્નાસ્વામી સ્ટેડિયમ)
ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત
રોહિત શર્માના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ 24 જૂનથી 17 જુલાઈ સુધી ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. ત્યાં તે એક ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. એકમાત્ર ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે, જે અગાઉ 2021ના સપ્ટેમ્બરમાં કોરોના બીમારીને કારણે બર્મિંઘમમાં રમી શકાઈ નહોતી અને મુલતવી રાખવામાં આવી હતી. આ ટેસ્ટમેચ 1-5 જુલાઈ દરમિયાન રમાશે. 2021માં પાંચ-ટેસ્ટની તે શ્રેણીમાં ભારત 2-1થી આગળ હતું. આમ, મુલતવી રખાયેલી ટેસ્ટ જુલાઈમાં રમાશે ત્યારે 2021ની શ્રેણીનું પરિણામ નક્કી કરશે.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટેની ભારતીય ટીમ આ મુજબ છેઃ
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, શાર્દુર ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિધ ક્રિષ્ના.