ટ્રેનિંગ પછી નીરજ શરૂ થતી સ્પર્ધાઓ માટે સજ્જ

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ પદકવિજેતા નીરજ ચોપડા છેલ્લા છ મહિનાથી ઘરેથી દૂર હાલ તુર્કીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેના જીવનમાં આ કાંઈ પહેલી વાર નથી, પણ તેનું જીવન માત્ર તાલીમ, ડાયટ અને ભાલા ફેંકની ટ્રેનિંગની આસપાસ ફરતું રહે છે. તેણે હાલમાં 12 કિલો વજન પણ ઘટાડ્યું છે. હું મારા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં છું, એમ તેણે કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે મેં થોડી મોડી ટ્રેનિંગ શરૂ કરી હતી, પણ ટ્રેનિંગ યોગ્ય દિશામાં છે. મેં હવે 90 મીટરનું લક્ષ્ય રાખ્યું છે. હાલ હું 87-88 મીટર સુધી ભાલો ફેંકી શકું છું. જોકે મારી ઉપર કોઈ લક્ષ્યનું દબાણ નથી. હું નર્વસનેસ પણ નથી અનુભવતો. હાલ હું ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. જે માનસિક અને શારીરિક આરોગ્ય માટે સારી બાબત છે, એમ તેણે કહ્યું હતું.

નીરજ આવનારી વિવિધ કોમ્પિટિશન માટે આકરી મહેનત કરી રહ્યો છે. તે હવે જૂનમાં બે સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં એક ફિનલેન્ડની તુરુક પાવો નુરમી ગેમ્સ, કુર્ટોન ગેમ્સમાં ભાગ લેશે, એ ટોક્યો ઓલિમ્પિક પછી તેની આ પહેલી સ્પર્ધા હશે. એ પછી નીરજ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં ભાગ લેશે.

આ ઉપરાંત તે જુલાઈમાં ઓરેગોનમાં થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અને ઓગસ્ટમાં બર્મિંગહામમાં થનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લેશે. એ પછી મોનાકો ડાયમન્ડ અને લોસાને ડાયમન્ડ લીગ યોજાશે. જ્યુરિચ ડાયમન્ડલીગની ફાઇનલ સાથે તેની સીઝનનો અંત આવશે.