લક્ષ્ય સેને મોદીજીને અલ્મોડાની ‘બાલ-મીઠાઈ’ ભેટ આપી

નવી દિલ્હીઃ હાલમાં જ બેંગકોકમાં રમાઈ ગયેલી થોમસ કપ બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન ટીમનો સભ્ય લક્ષ્ય સેન આજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને તેમને પોતાના અલ્મોડા (ઉત્તરાખંડ) શહેરની જાણીતી ‘બાલ મીઠાઈ’ ભેટ આપી હતી. ભારતીય ટીમે ગઈ 15 મેએ થોમસ ફાઈનલમાં ઈન્ડોનેશિયાને 3-0થી પરાજય આપ્યો હતો. સ્પર્ધા 1949માં શરૂ થઈ ત્યારથી આ પહેલી જ વાર ભારતે આ સ્પર્ધા જીતી છે. ફાઈનલમાં રમીને વિજેતા થયેલા ખેલાડીઓ ઉપરાંત ટીમનાં અન્ય સભ્યો તથા સપોર્ટ સ્ટાફના સભ્યોને આજે વડા પ્રધાન મોદીએ એમના સત્તાવાર નિવાસસ્થાને આમંત્રિત કર્યાં હતાં અને એમની સાથે વાતચીત કરી હતી.

વડા પ્રધાન મોદી દરેક ખેલાડીને મળ્યા હતા. લક્ષ્ય સેન મળવા ગયો ત્યારે એણે મોદીને પગે લાગીને મીઠાઈનું પેકેટ ગિફ્ટમાં આપ્યું હતું. ભારતીય ટીમે ફાઈનલ જીતી એ પછી તરત જ મોદીએ ખેલાડીઓને ફોન કરીને અભિનંદન આપ્યા હતા અને ખાસ કરીને લક્ષ્ય સેનને કહ્યું હતું કે, ‘હું તારી પાસેથી અલ્મોડાની બાલ મીઠાઈ ખાઈશ. આજે તે એ મીઠાઈ લઈને આવ્યો છે, હું તેનો આભાર વ્યક્ત કરું છું.’ તેના જવાબમાં લક્ષ્યએ કહ્યું કે, ‘હું જ્યારે યૂથ ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યો હતો ત્યારે પહેલી વાર આપને મળ્યો હતો અને આજે બીજી વાર આપને મળવાની તક મળી છે. આપને મળવાની મને જ્યારે પણ તક મળી છે ત્યારે તમારી પાસેથી મને પ્રોત્સાહન મળ્યું છે. હું હજી વધારે ટુર્નામેન્ટ જીતવા, આપને મળવા અને આપને માટે બાલ મીઠાઈ લાવવા ઈચ્છું છું.’