મહારાષ્ટ્રઃ રેસ્ટોરન્ટ-દુકાનના સાઈનબોર્ડ મરાઠીમાં દર્શાવવાની ડેડલાઈન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે રાજ્યમાં તમામ રેસ્ટોરન્ટ અને હોટલના સાઈનબોર્ડ મરાઠી લિપિમાં લખવા અને તેના ફોન્ટ્સ નાના કે ઝીણા નહીં ચાલે. અંગ્રેજી કે અન્ય ભાષામાં હોય એટલા જ ફોન્ટ મરાઠી લિપિના હોવા જોઈએ. સાઈનબોર્ડ બદલી નાખવાની મહેતલ 31 મે સુધીની આપવામાં આવી છે.

પરંતુ, રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોના સંગઠન – AHAR દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે આ આદેશના અમલ માટેની ડેડલાઈનને છ મહિના માટે લંબાવવામાં આવે, કારણ કે 31 મે સુધીમાં અમલ કરવાનું તેમને માટે મુશ્કેલ છે. ઈન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AHAR)ના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ કહ્યું છે કે, અમે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો આદર કરીએ છીએ, પરંતુ અમે આદેશના અમલ માટેની ડેડલાઈનને છ મહિના સુધી લંબાવવામાં આવે એવી સરકારને વિનંતી કરીએ છીએ, કારણ કે લાખો દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોએ સાઈનબોર્ડ બદલવાની જરૂર છે.

મહારાષ્ટ્ર સરકારે સાઈનબોર્ડ પર નામ દેવનાગીરી લિપિમાં પણ લખવા એવો આદેશ બહાર પાડવા માટે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ-2017માં અમુક સુધારા કર્યા છે. તે અનુસાર રાજ્યમાં કોઈ પણ દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ, બીયર બાર, થિયેટર, ઓફિસ કે ધંધાકીય પેઢી-જગ્યા પરના સાઈનબોર્ડનું નામ એક કરતાં વધારે લિપિમાં દર્શાવવાનું રહેશે. વળી, દેવનાગીરી લિપિવાળું નામ સૌથી મોટું હોવું જોઈએ. જે કોઈ આ આદેશનો ભંગ કરશે એની સામે કાયદા અંતર્ગત પગલાં ભરવામાં આવશે.