રોમઃ કોરોના વાઈરસે ઈટાલીમાં હાહાકાર મચાવી દીધો છે. આ દેશમાં આ બીમારીનાં અત્યાર સુધીમાં 1,78,972 કેસો નોંધાયા છે અને 23,660 જણના જાન ગયા છે. આખા દેશમાં ગઈ 9 માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે. તમામ પ્રકારની વ્યાપારી, ખેલકૂદ પ્રવૃત્તિઓ બંધ છે.
કોરોનાના ફેલાવાને કારણે દુનિયાભરમાં ટેનિસની સ્પર્ધાઓ પણ હાલ બંધ છે. પરંતુ રમતની બે ઉત્સાહી છોકરીએ રમત રમવા માટે ગજબનો રસ્તો શોધી કાઢ્યો.
બંને છોકરીને ટેનિસ રમતી બતાવતો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. નવાઈની વાત એ છે કે આ બંને છોકરી લોન કોર્ટ પર ટેનિસ નથી રમતી, પણ એકબીજાનાં મકાનની છત પર રમી રહી છે.
આ બંને છોકરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ગજબ રીતે પાલન કરીને છત પર ટેનિસ રમી અને ‘ટેનિસ એટ હોમ’ નિયમને એક નવા જ સ્તરે લઈ ગઈ.
ટેરેસ પર ટેનિસ રમતી આ બંને છોકરી છે ઈટાલીના લિગ્વારિયા શહેરની. એકદમ રચનાત્મક રીતે ટેનિસ રમતી જોવા મળે છે. એમના વિડિયોને ATP ટૂર વેબસાઈટે શેર કર્યો છે.
આ વિડિયોએ દુનિયાભરમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કરોડો વ્યૂઝ મેળવ્યા છે. એટલું જ નહીં, ATP ટૂરના ટ્વિટર એકાઉન્ટ પર આ સૌથી વધારે વાર જોવાયેલી પોસ્ટ બની છે.
જુદી જુદી રમતોની અનેક સેલિબ્રિટી વ્યક્તિઓએ પણ આ વિડિયોને શેર કર્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેને ટ્વિટર પર આ વિડિયો શેર કરીને તેની કેપ્શનમાં લખ્યું છે કે, અત્યાર સુધીની સૌથી અજબની ચીજ જોવા મળી.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે તમામ ટેનિસ સ્પર્ધાઓને 13 જુલાઈ સુધી સસ્પેન્ડ રાખવામાં આવી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલી જ વાર વિમ્બલ્ડન સ્પર્ધાને રદ કરવામાં આવી છે. એવી જ રીતે, ફ્રેન્ચ ઓપનને સપ્ટેંબર સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે યુએસ ઓપન ક્યારે રમાશે એ હજી અનિશ્ચિત છે.