ટોક્યોઃ રાજસ્થાનના જયપુરની 19-વર્ષની અવની લેખરાએ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં આજે મહિલાઓની શૂટિંગ રમતમાં 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર લેખરા પહેલી જ ભારતીય મહિલા બની છે.
અવનીએ ફાઈનલમાં 249.6 સ્કોર હાંસલ કરીને વિશ્વ વિક્રમની બરોબરી કરી છે. આ હરીફાઈમાં ચીનની શૂટર ઝાંગ 248.9 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે રહી. અવની જ્યારે 11 વર્ષની હતી ત્યારે એક રોડ અકસ્માતમાં એને પગમાં ઈજા થઈ હતી. તે અકસ્માતમાં સ્પાઈનલ કોર્ડ ઈન્જરીને કારણે એનાં પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા.
દરમિયાન, પુરુષોની ડિસ્કસ થ્રો રમતમાં 44.38 મીટર દૂર સુધી થ્રો ફેંકીને યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. પુરુષોની જેવેલીન થ્રો રમતમાં, દેવેન્દ્ર ઝાઝરીયાએ રજત ચંદ્રક જીત્યો છે જ્યારે સુંદરસિંહ ગુર્જરે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સાથે ભારતે વર્તમાન ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યા વધીને 7 થઈ છે.