સુંદરને હાથની આંગળીમાં ઈજા; IPL-2021ના દ્વિતીય-ચરણમાંથી બહાર

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021ની મોસમના દ્વિતીય ચરણના આરંભ પૂર્વે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને મોટો ફટકો પડ્યો છે. એનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આંગળીમાં ઈજા થવાથી આ ચરણમાં રમી નહીં શકે. 21-વર્ષીય સુંદરને આ ઈજા ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન થઈ હતી અને તે હજી એમાંથી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી. સુંદર ઓફ્ફ-સ્પિનર ઉપરાંત પાછલા ક્રમનો ઉપયોગ બેટ્સમેન પણ છે. આઈપીએલ-2021ના બીજા ચરણનો આરંભ 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં થવાનો છે.

વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી આ ટીમે એક નિવેદનમાં કહ્યું છે કે ટીમમાં સુંદરની જગ્યાએ બંગાળના ક્રિકેટર આકાશદીપને પસંદ કરવામાં આવ્યો છે જે એક નેટ બોલર છે. સુંદર હાલ ઈંગ્લેન્ડમાં રમાતી પાંચ-ટેસ્ટની સિરીઝ માટે ભારતીય ટીમના અન્ય સભ્યોની સાથે જ ઈંગ્લેન્ડ ગયો હતો, પરંતુ એક પ્રેક્ટિસ મેચ રમતી વખતે સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ફેંકેલો બોલ એને આંગળી પર વાગ્યો હતો. એ ઈજા વકરતાં એને ભારત પાછા આવી જવું પડ્યું છે. 15 ઓક્ટોબરે આઈપીએલ-2021 પૂરી થયા બાદ 17 ઓક્ટોબરથી યૂએઈના જ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા શરૂ થવાની છે. સુંદરને તે માટેની ભારતીય ટીમમાં પસંદ કરાય છે કે નહીં એ તો સમય જ કહેશે.