વિશાખાપટનમઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં કાંસ્યચંદ્રક જીતનાર પી.વી. સિંધુ આ શહેરમાં યુવા ખેલાડીઓ માટે ટ્રેનિંગ એકેડેમી શરૂ કરવાની છે. સિંધુનું કહેવું છે કે રમતગમતોમાં ભાગ લેવાની વાત કરીએ તો ભારતના યુવાઓ એમાં ઘણા પાછળ છે. સિંધુએ આજે આંધ્ર પ્રદેશમાં તિરુપતિ (તિરુમાલા) મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એણે કહ્યું હતું કે, ‘હું ટૂંક સમયમાં જ આંધ્ર પ્રદેશ સરકારના સહયોગ સાથે વિશાખાપટનમમાં યુવાઓ માટે એક ટ્રેનિંગ એકેડેમી શરૂ કરવાની છું. યોગ્ય પ્રોત્સાહન મળતું ન હોવાને કારણે ઘણા યુવાનો રમતગમતોમાં પાછળ રહી જાય છે.’
એક સવાલના જવાબમાં એણે કહ્યું કે, ‘હું પેરિસ ઓલિમ્પિક્સ (2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સ)માં ચોક્કસ રમીશ અને મારો શ્રેષ્ઠ દેખાવ કરીશ. મારી પાસે એ માટે ઘણો જ સમય છે. અત્યારે તો હું મારી કાંસ્યચંદ્રક સિદ્ધિ મેળવ્યાનો આનંદ માણી રહી છું’.