એક-વધુ જુગટું; બીજી-ટેસ્ટમાંથી પણ અશ્વિનને પડતો મૂકવાનું

લંડનઃ અહીંના લોર્ડ્સ મેદાન પર આજથી ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. પહેલી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં પરિણમી હતી. એમાં ભારતની જીતની શક્યતા વધારે હતી.

આજની મેચ માટેની ટીમમાંથી પણ કેપ્ટન વિરાટ કોહલીએ નંબર-વન ઓફ્ફસ્પિનર રવિચંદ્રન અશ્વિનને બાકાત રાખીને ફરી મોટું જુગટું ખેલ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં 413 વિકેટ લેનાર અશ્વિનને બેન્ચ પર જ બેસી રહેવાનો વારો આવ્યો છે. પહેલી ટેસ્ટ મેચમાં પણ એને રમાડવામાં આવ્યો નહોતો. હવે બીજી મેચમાં, ચોથા દાવમાં ભારતને બોલિંગ કરવાની આવશે. ત્યારે બોલને વધારે ટર્ન મળશે, પણ ભારત પાસે માત્ર એક જ સ્પિનર હશે – રવીન્દ્ર જાડેજા. ભારતે આ મેચ માટે ચાર ફાસ્ટ બોલરને રમાડવાનું પસંદ કર્યું છે – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ. 2012માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ જાડેજાએ અત્યાર સુધીમાં 53 ટેસ્ટમાં 24.60ની વર્લ્ડ ક્લાસ સરેરાશ સાથે 221 વિકેટ લીધી છે. આમ, કોહલીએ જાડેજાના કાંડાની કરામત પર મોટો ભરોસો મૂક્યો છે. પરંતુ, જાડેજા છેલ્લી 10 ટેસ્ટમાં માત્ર 23 વિકેટ જ લઈ શક્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ટેસ્ટમાં એણે માત્ર એક જ વિકેટ લીધી હતી જ્યારે વર્તમાન સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે નોટિંઘમમાંની પહેલી ટેસ્ટ મેચમાં તે એકેય વિકેટ મેળવી શક્યો નહોતો.