PF સબસ્ક્રાઇબર્સને 8.5% વ્યાજ ઓગસ્ટમાં મળવાની શક્યતા

નવી દિલ્હીઃ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના 6.5 કરોડ સબસ્ક્રાઇબર્સને ટૂંક સમયમાં સારા ન્યૂઝ મળશે. EPFO ટૂંક સમયમાં સબસ્કાઇબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરશે એ વાત EPFOએ ટ્વીટ કરીને કરી હતી.

ટ્વિટર પર યુઝર્સના સવાલોનો જવાબ આપતાં EPFOએ કહ્યું હતું કે એની પ્રક્રિયા ચાલી રહી છે અને બહુ જલદી જોવા મળશે. EPFOએ કહ્યું હતું કે એકાઉન્ટમાં જ્યારે પણ વ્યાજને ક્રેડિટ કરવામાં આવશે, એ એકસાથે જમા કરવામાં આવશે. કોઈને વ્યાજનું નુકસાન નહીં થાય.

જોકે EPFO ટ્વીટમાં એ નથી જણાવ્યું કે પ્રોવિડન્ટ ફંડના વ્યાજના પૈસા ક્યારે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મોદી સરકારે નાણાં વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજની મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે ઓગસ્ટના અંત સુધીમાં PFના 8.5 ટકાનું વ્યાજ ટ્રાન્સફર કરવામાં આવશે.