મહારાષ્ટ્રમાં નાના-ખેડૂતોને સેવાઓ પૂરી પાડવા MSCTDC-BEAM વચ્ચે કરાર

મુંબઈઃ બીએસઈના કૃષિ પેદાશોના સ્પોટ ટ્રેડિંગના ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ બીએસઈ ઈ-એગ્રીકલ્ચરલ માર્કેટ્સ લિમિટેડ (બીઈએએમ) સાથે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસસીટીડીસી)એ એગ્રીમેન્ટ કર્યો છે, જે હેઠળ બીઈએએમ કસ્ટમાઈઝ્ડ ઈ-માર્કેટ સોલ્યુશન્સ એમએસસીટીડીસીને પૂરાં પાડશે.

MSCTDCના મેનેજિંગ ડાયરેક્ટર નીતિન પાટીલ (ડાબે) અને BEAMના બાબારાવ સૂર્યવંશી (જમણે) વચ્ચે દસ્તાવેજની આપલે

આ કરારને પગલે રાજ્યના આદિવાસી વિસ્તારોમાંના નાના ખેડૂતોને લાભ થશે. બંને સંસ્થા દેશના ગ્રામીણ વિસ્તારની વેલ્યુ ચેઈનને મજબૂત કરવાની દિશામાં કામ કરશે.

એમએસસીટીડીસી આદિવાસી વિસ્તારોમાંથી પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ પ્રાપ્ત કરેલી કોમોડિટીઝના નિકાલની વ્યવસ્થા કાર્યક્ષમ બનાવવા માટે બીઈએએમના કૌશલ્યનો ઉપયોગ કરશે.

આ ઘટના વિશે ટિપ્પણ કરતાં એમએસસીટીડીસીના મેનેજિંગ ડિરેક્ટર નીતીન કે. પાટીલ (આઈએએસ)એ કહ્યું કે આ એગ્રીમેન્ટ દ્વારા એમએસસીટીડીસી બીઈએએમની માર્કેટ ટેકનોલોજીસ પ્રાપ્ત કરશે. એનાથી આદિવાસી ખેડૂતો પાસેથી પ્રાપ્ત કોમોડિટીઝની વધુ સારી સ્પર્ધાત્મક પ્રાઈસ ડિસ્કવરી ઉપલબ્ધ થશે. આના પગલે અમે રાજ્યના આદિવાસી વિસ્તારના ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડી શકીશું.,

બીઈએમના સીઈઓ રાજેશ સિંહાએ કહ્યું કે બીએસઈએ નાના ખેડૂતો માટે બજારનો સંપર્ક કરવાનું સરળ બને એ માટે બીઈએએમની સ્થાપના કરેલી છે.એમએસસીટીડીસી સાથેનું એગ્રીમેન્ટ આ લક્ષ્ય સિદ્ધ કરવાની દિશામાંનું મહત્ત્વનું કદમ છે. નિયમનયુક્ત પારદર્શી બજાર, બહુવિધ ખરીદદારોનો સીધો સંપર્ક, રોકડા સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય અને મધ્યસ્થીઓના ખર્ચમાં ઘટાડો જેવા લાભ નાના ખેડૂતોને પ્રાપ્ત થશે. અમે આ લાભ રાજ્યના ખેડૂતોને પહોંચે આ માટે એમએસસીટીડીસી સાથે કામ કરીશું.