ચોક્કસ સ્ટોક્સમાં ભાવોને અંકુશમાં લાવવાનું BSEનું કદમ બજાર-રોકાણકારોના હિતમાં

મુંબઈઃ શેરબજારમાં ચોક્કસ સ્ટોક્સમાં સટ્ટાના અતિરેકને ડામવા અને રોકાણકારોના હિતમાં બીએસઈ (મુંબઈ શેરબજાર)એ લીધેલા પગલાં સમયસરના હોવાછતાં બજારના કેટલાંક સ્થાપિત હિતો બીએસઈના આ પગલાં વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. બીએસઈએ સ્મોલ કેપ-મિડકેપના ચોક્કસ શેરોના તેમ જ ઝેડ-ગ્રુપના ભાવોને અંકુશમાં રાખવા પોતાના સર્વેલન્સના આધારે પગલું ભર્યુ અને તેમાં મુંઝવણ ઊભી થતા તેની સ્પષ્ટતા પણ કરી છે. બીજી બાજુ, જે ઓપરેટરોને આ સ્ટોક્સના ભાવ ઊંચા ખેંચીને રમત રમવી હતી, તેમના પેટમાં દુખ્યું અને તેમણે બીએસઈ વિરુધ્ધ કુપ્રચાર શરુ કરી દીધો હતો.

વાસ્તવમાં બીએસઈ એક સેલ્ફ-રેગ્યુલેટર તરીકે પણ શેરોમાં મેનિપ્યુલેશનને ડામવા પગલાં લેતું હોય છે. વિવિધ સર્કિટ ફિલ્ટર કે સર્કિટ બ્રેકરનો ઉપયોગ આ જ હેતુ માટે થાય છે. આ પગલાં એક્સચેંજ ‘સેબી’ને વિશ્વાસમાં રાખીને લેતું હોય છે. તેમાં સેબીના નીતિ-નિયમોનું પાલન આવી જ જાય છે. આ કદમ કોઈ મનસ્વી હોતા નથી. તેનો ઉદેશ પણ રોકાણકાર વર્ગ અને બજારની શિસ્ત અને હિત હોય છે. હવે જો આમ કરવાથી ઓપરેટરો-સર્ક્યૂલર ટ્રેડર્સને તકલીફ પડતી હોય, તેમની રમત અટકતી હોય અને તેમના હિતને ઠેસ પહોંચતી હોય તો સહજ છે કે તેઓ બીએસઈના પગલાંમાં ભૂલ શોધશે અને તેની વાતનું વતેસર કરશે. બીએસઈના ગયા સોમવારના સર્ક્યૂલર અને તેની સ્પષ્ટતા બાદ આવું જ થયું. સ્થાપિત હિતોએ કુપ્રચાર કરી બીએસઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

અહીં એ નોંધવું મહત્વનું છે કે હરિફ એક્સચેંજ એનએસઈને ઘણી બાબતોમાં હરીફાઇ આપતું બીએસઈ હજી કયાંક ખુંચે છે ખરું. જયારે કે એનએસઈ પરના કેટલાંય આરોપોના જવાબ આજે પણ અનુત્તર રહયા છે. તેમાં તપાસને નામે કંઈ જ નકકર થયું નથી. જયારે કે બીએસઈને બદનામ કરવાની મેલી રમત થઈ રહી હોવાનું જાણકારો માને છે. એનએસઈ બહુ મોટા વગદાર લોકોના આશિર્વાદ ધરાવે છે, જયારે બીએસઈ મોટેભાગે પક્ષપાતનો ભોગ બની અનેક સંઘર્ષ સાથે આગળ વધી રહયું છે ત્યારે બીએસઈને પાછળ પાડવાનો એક વધુ પ્રયાસ થયો હોવાનું કહી શકાય. મજાની વાત એ છે કે બીએસઈના આ પગલાંથી જો કંઈક ખોટું થયું હોત તો ભાવો તૂટત યા ઘટત, તેને બદલે ભાવો વધ્યા છે. હા, રોકાણકારોમાં જાગૃતિ આવી છે, રોકાણકારોને સંકેત મળ્યા છે.

કેટલાંક માધ્યમોએ બીએસઈના સર્ક્યૂલરના પગલાં સામે ઈકોનોમિક ઓફેન્સ વિંગની તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે, જ્યારે કે આમાં ઈઓડબલ્યુની કોઈ ભૂમિકા જ આવતી નથી. તો પછી એનએસઈના કો-લોકેશનના કથિત કૌભાંડ સામે કેમ આર્થિક ગુના શાખાની વાત થઈ નથી? તો પછી નિયમન તંત્ર ‘સેબી’ શા માટે છે? રોકાણકારો અને બ્રોકરોએ આ સત્યને સમજવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]