ગાંધીનગરમાં એરફોર્સ સિલેક્શન બોર્ડ કેમ્પસમાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરાઈ

અમદાવાદઃ પર્યાવરણીય સંતુલન માટે અને વિસ્તારમાં હરિત પર્યાવરણને ઉત્તેજન આપવા માટે ગાંધીનગરસ્થિત એરફોર્સ સિલેક્શન બોર્ડ (AFSB) ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તમામ જવાનોએ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને કેમ્પસની અંદર 1000થી વધારે રોપાઓનું વાવેતર કર્યું હતું. આ ઝુંબેશનો હેતુ ગાંધીનગરના જીઆઈડીસી વિસ્તારમાં ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવાનો છે.

એર વોરિયર્સને સંબોધિત કરતાં AFSB ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ, એર કોમોડોર દેશપાલસિંહે સ્વચ્છ અને પ્રદૂષણ-મુક્ત પર્યાવરણ માટે વધુ ને વધુ ઝાડ રોપવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો.

AFSB ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ 2018ની સાલથી શરૂ કરવામાં આવી છે અને ત્યારથી અત્યાર સુધીમાં 28,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઝુંબેશને ગુજરાત રાજ્યના વનવિભાગ અને અમદાવાદસ્થિત AIA CSR ફાઉન્ડેશન તરફથી પણ સાથ મળ્યો છે.