મુંબઈઃ હાલ જ્યારે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો છે ત્યારે દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરે એક સેવાભાવી સંસ્થા મારફત મુંબઈના શિવાજી નગર અને ગોવંડી વિસ્તારોમાં પાંચ હજાર લોકોને એક મહિના સુધી રાશન પૂરું પાડવાનો સંકલ્પ કર્યો છે.
અપનાલય નામની આ સેવાભાવી સંસ્થાએ એક ટ્વીટ કરીને તેંડુલકરનો આભાર માન્યો છે અને દાન કરવાની બીજાઓને પણ વિનંતી કરી છે.
સંસ્થાએ ટ્વીટમાં જણાવ્યું છે કે, થેંક્યૂ સચીન તેંડુલકર, આ લોકડાઉનમાં સૌથી વધારે મુસીબતમાં મૂકાઈ ગયેલાઓને મદદરૂપ થવા માટે આગળ આવવા બદલ અને અપનાલયને મદદ કરવા બદલ. તેઓ એક મહિના સુધી પાંચ હજાર લોકોને રાશન પૂરું પાડીને એમની સંભાળ લેશે. હજી બીજા ઘણા લોકો છે જેમને તમારા ટેકાની જરૂર છે, તો લોકો આગળ આવે અને દાન આપે.
47 વર્ષીય તેંડુલકરે ટ્વીટ કરીને આ NGO માટે શુભેચ્છા વ્યક્ત કરી છે કે મુસીબતમાં મૂકાઈ ગયેલા અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું તે આ જ રીતે ચાલુ રાખશે.
કોરોના વાઈરસ (કોવિડ 19) સામેની લડાઈમાં પોતાના અન્ય પ્રદાન તરીકે તેંડુલકર આ પહેલાં વડા પ્રધાનના સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ-કેર્સ ફંડ) માટે તેમજ ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ (મહારાષ્ટ્ર)ને રૂ. 25-25 લાખની રકમનું દાન કરી ચૂક્યા છે.
My best wishes to @ApnalayaTweets to continue your work in the service of the distressed and needy. Keep up your good work.?? https://t.co/1ZPVLK7fFb
— Sachin Tendulkar (@sachin_rt) April 9, 2020