મેલબોર્નઃ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના જવાબદારીપૂર્ણ અને ધમાકેદાર અણનમ 82 રનની મદદથી ભારતે આજે અહીં T20 વર્લ્ડ કપમાં સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2ની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-વિકેટથી પરાજય આપ્યો છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાન ટીમ તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવી શકી હતી. તેના જવાબમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 160 રન કરીને મેચ આખરી બોલે જીતી લીધી. કોહલીએ 53 બોલમાં 4 છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 82 રન કર્યા હતા. તેણે આ દાવને પોતાની T20I કારકિર્દીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ ગણાવ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ 90 હજારથી પણ વધારે ભારત અને પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓથી ભરાઈ ગયું હતું અને સૌને પૈસા-વસૂલ મુકાબલો જોવા મળ્યો હતો.
ભારતે રાહુલ અને કેપ્ટન શર્માની ઓપનિંગ જોડીને માત્ર 10 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. 26 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવ અને 31 રનના આંકે અક્ષર પટેલ આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને હાર્દિક પટેલ (37 બોલમાં 40) વચ્ચે 113 રનની ભાગીદારી થઈ હતી. ભારતને મેચ જીતવા માટે આખરી ઓવરમાં 16 રન કરવાની જરૂર હતી. ડાબોડી સ્પિનર મોહમ્મદ નવાઝ હાર્દિક પંડ્યા પહેલા જ બોલ પર આઉટ થયો હતો. કોહલીએ ચોથા-નોબોલમાં સિક્સર ફટકારી હતી. ત્યારબાદ સદ્દનસીબે ત્રણ રન બાય તરીકે મળ્યા હતા. દિનેશ કાર્તિક પાંચમા બોલે સ્ટમ્પ આઉટ થયો હતો. નવાઝે વાઈડ બોલ ફેંકતા સ્કોર બરોબરી પર આવી ગયો હતો અને પછી આખરી બોલે અશ્વિન એક રન મેળવવામાં સફળ રહ્યો હતો.
સ્પર્ધામાં ભારતનો હવે પછીનો મુકાબલો 27મીએ નેધરલેન્ડ્સ સામે સિડનીમાં થશે.
