મુંબઈઃ શ્રીલંકાનો કેપ્ટન દસૂન શાનકા સાથળમાં થયેલી ઈજાને લીધે હાલ રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં વધુ નહીં રમે. એની જગ્યાએ ટીમમાં ચમિકા કરુણારત્નેને સામેલ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 23 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. જ્યારે ટીમનું સુકાન કુસલ મેન્ડિસને સોંપવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ માટે આ બહુ મોટા ફટકાસમાન છે, કારણ કે હાલની વર્લ્ડ કપમાં આ ટીમ હજી સુધી એકેય મેચ જીતી શકી નથી.
શાનકાને ઈજામાંથી સાજા થતાં ત્રણેક અઠવાડિયા જેટલો સમય લાગે એમ છે, એમ આઈસીસી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. કુસલ મેન્ડિસ હાલની વર્લ્ડ કપમાં શ્રીલંકાનો મોખરાનો બેટર રહ્યો છે. તેને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને હવે તે કેપ્ટન તરીકે કામગીરી બજાવશે.