ભારત-પાકિસ્તાન વચ્ચે મેચમાં ગિલની થશે વાપસી?

અમદાવાદઃ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે ક્યારેય જીત્યું નથી.  વર્લ્ડ કપ 2023ની 12મી મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતની પાસે વનડે વર્લ્ડ કપમાં 7-0ની લીડ છે અને પલડું ભારે છે. જો શુબમન ગિલની વાપસી થશે તો મેન ઇન બ્લુની બેટિંગ વધુ મજબૂત થશે. સ્ટેડિયમની બહાર ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જમા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અને અંદર જવાનો તહેનાત છે. 4000થી વધુ સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. દર્શકો સ્ટેડિયમમાં મોબાઇલ અને પાકીટ સિવાય કશું જ લઈ જઈ શકશે નહીં. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી પણ લોકો મેચ જોવા પહોંચી રહ્યા છે. દેશ-વિદેશમાંથી આવેલા દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના સમર્થકો ટીમ ઇન્ડિયાની જર્સીમાં અને પોસ્ટર્સ સાથે જોવા મળી રહ્યા છે. ફેન્સના હાથમાં ઝંડા પણ જોવા મળી રહ્યા છે. શુભમન ગિલે પહેલા સેશનમાં 40 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી હતી. તેણે નેટ્સમાં બેટિંગ કરી હતી. ગિલ રમે એવી સંભાવના છે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે એ 99 ટકા રમવા માટે તૈયાર છે.

ભારત અને પાકિસતાન વચ્ચે અત્યાર સુધીમાં 134 વન-ડે મેચ રમાઈ છે, જેમાં 73 પાકિસ્તાન જીત્યું છે, જ્યારે 56 ભારત જીત્યું છે, પાંચ મેચોમાં કોઈ પરિણામ નથી આવ્યું. આ સિવાય T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત 12 મેચ જીત્યું છે, જ્યારે ત્રણ મેચમાં પાકિસ્તાનની જીત થઈ છે. જો ટેસ્ટ મેચોની વાત કરીએ તો પાકિસ્તાન 12 જીત્યું છે, જ્યારે ભારતે નવ મેચ જીતી છે, જ્યારે ડ્રો 38 ગઈ છે.