શ્રીલંકા-ટીમ ભારતમાં ક્યારેય દ્વિપક્ષીય-શ્રેણી જીતી શકી નથી

મુંબઈઃ શ્રીલંકા અને ભારત વચ્ચે આજે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ-મેચની શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. બીજી મેચ પાંચ જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી 7મીએ રાજકોટમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ-મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમાશે. 10, 12, 15 જાન્યુઆરીએ અનુક્રમે ગુવાહાટી, કોલકાતા અને તિરુવનંતપુરમમાં મેચ રમાશે.

જાણવાની જરૂર છે કે શ્રીલંકાની ટીમ ભારતમાં હજી સુધી એકેય દ્વિપક્ષીય શ્રેણી જીતી શકી નથી. દ્વિપક્ષીય મુકાબલાઓમાં, ભારતીય ટીમ શ્રીલંકા ઉપર 15-4ના તફાવતનો રેકોર્ડ ધરાવે છે. ઘરઆંગણે ભારત આ પડોશી ટીમ સામે 11 જીત્યું છે અને બેમાં હાર્યું છે. તાજેતરમાં યૂએઈમાં રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં શ્રીલંકા ટીમ ભારતને સુપર-4 રાઉન્ડમાં હરાવી ફાઈનલમાં પહોંચી હતી અને ત્યાંથી ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.

ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રાહુલ ત્રિપાઠી, મુકેશ કુમાર, શિવમ માવી.

શ્રીલંકા ટીમઃ દસૂન શનાકા (કેપ્ટન), વનિંદુ હસરંગા (વાઈસ કેપ્ટન), ચરિથ અસલંકા, અશેન બંડારા, ધનંજય ડીસિલ્વા, અવિષ્કા ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ના, લહિરુ કુમારા, દિલશાન મદુશંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસંકા, પ્રમોદ મદુશન, ભાનુકા રાજપક્ષા, કસુન રજિતા, સદીરા સમરાવિક્રમા (વિકેટકીપર), મહીશ થીક્ષના, નુવાન થુષારા, દુનિથ વેલ્લાલગે.