સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ટ્જે ઈજાને કારણે ભારત સામેની આગામી 3-મેચની ટેસ્ટશ્રેણીમાં રમી શકે એમ નથી. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી રમતો નોર્ટ્જે સાજો થઈ શક્યો નથી અને 26 ડિસેમ્બરથી અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં નહીં રમે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે નોર્ટ્જેની બદલીમાં બીજા બોલરની આઈસીસી પાસે હજી માગણી મૂકી નથી. નોર્ટ્જેએ અત્યાર સુધીમાં માત્ર 12 ઈન્ટરનેશનલ મેચોમાં 47 વિકેટો લીધી છે. પાંચ-વિકેટની સિદ્ધિ એ ત્રણ વખત મેળવી ચૂક્યો છે. પાંચ ટેસ્ટમાં એણે 25 વિકેટ લીધી છે. નોર્ટ્જેની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ આક્રમણનો મુખ્ય બોજ ડ્યુઆન ઓલિવિયેર પર રહેશે. એણે 10 ટેસ્ટમાં 48 વિકેટ લીધી છે. એને સાથ આપશે અન્ય ફાસ્ટ બોલર કેગિસો રબાડા.
આ છે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમઃ ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કેગિસો રબાડા, સરેલ એરવી, બ્યૂરાન હેન્ડ્રીક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુન્ગી એનગીડી, એઈડન મારક્રમ, વિઆન મુલ્ડર, કીગન પીટરસન, રાસી વાન ડેર ડસન, કાઈલ વેરીની, માર્કો જેન્સન, ગ્લેન્ટન સ્ટરમન, પ્રીનીલન સુબ્રાયેન, સિસાન્ડા મગાલા, રાયન રિકલટન અને ડ્યુઆન ઓલિવિયેર.
બંને દેશના ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે કે ખેલાડીઓની સુરક્ષાને ખાતર ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની વર્તમાન શ્રેણીઓની મેચો માટે સ્ટેડિયમની ટિકિટોનું વેચાણ કરવું નહીં. મેચોનું સુપરસ્પોર્ટ અને SABC ટેલિવિઝન પર લાઈવ બ્રોડકાસ્ટ કરાશે.