સગીર યુવતી પર બળાત્કાર મામલે પાકિસ્તાની ક્રિકેટર પર FIR

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્રિકેટર યાસિર શાહ પર 14 વર્ષની સગીર યુવતીની સાથે બળાત્કાર અને ઉત્પીડનમાં કથિત રૂપે મદદ કરવાના મામલે ઇસ્લામાબાદના શાલિમાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા FIRમાં યુવતીએ કહ્યું હતું કે યાસિર શાહના મિત્ર ફરહાને બંદૂકની અણીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને પછી આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો. યુવતીએ વધુમાં કહ્યું હતું કે યાસિર શાહે અધિકારીઓની પાસે જઈને ઘટના વિશે વાત કરવા પર ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. આ મામલે અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ નિવેદન કરવામાં નથી આવ્યું.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર યુવતીનું કહેવું હતું કે જ્યારે તેણે યાસિરથી વોટ્સએપ પર મદદ કરવા કહ્યું, ત્યારે તે હસવા લાગ્યો હતો અને તેને તેણે ચૂપ રહેવા માટે કહ્યું હતું. યુવતીનો દાવો હતો કે જ્યારે તે પોલીસ પાસે ગઈ, ત્યારે યાસિરે તેને ચૂપ રહેવા માટે એક ફ્લેટ અને 18 વર્ષ સુધી માસિક ખર્ચ આપવાની રજૂઆત કરી હતી. યાસિર આંગળીમાં ઇજા થવાને કારણે હાલ ટેસ્ટ સિરીઝ માટે બંગલાદેશ પ્રવાસે નથી ગયો.

ક્રિકેટ જગતમાં 200 ટેસ્ટ વિકેટ લેનારો યાસિર છેલ્લે આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ રમતો જોવા મળ્યો હતો. યાસિર છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં મહત્ત્વનો ક્રિકેટર છે. યાસિરે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 46 ટેસ્ટ અને 25 વનડે તેમ જ બે T20 મેચ રમી છે. યાસિર શાહ 235 ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે 2014માં ડેબ્યુ કર્યું હતું.