અમ્પાયરના નિર્ણયની જાહેરમાં ટીકા કરવા બદલ શુભમન ગિલને આઈસીસીએ દંડ ફટકાર્યો

લંડનઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ભારતના ટેસ્ટ ઓપનર શુભમન ગિલ અને ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ગિલના શિસ્તના રેકોર્ડમાં એક ડીમેરીટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ગિલને આ દંડ 10 જૂને પૂરી થયેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અમ્પાયરના નિર્ણયની જાહેરમાં ટીકા કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.

આઈસીસીની આચારસંહિતાના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ ગિલને એની મેચ ફીની 15 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તે બનાવ લંડનના ઓવલ મેદાન પરની ફાઈનલ ટેસ્ટ મેચના ભારતના બીજા દાવમાં પોતાને કેચઆઉટ આપતા અમ્પાયરના નિર્ણયની ગિલે સોશિયલ મિડિયા પર ટીકા કરી હતી.

આઈસીસીનું કહેવું છે કે ગિલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે એટલે વિધિસરની સુનાવણી કરવાની જરૂર રહી નથી.

24-મહિનાના સમયગાળામાં જો કોઈ ખેલાડીના ડીમેરીટ પોઈન્ટ્સનો આંકડો ચાર કે તેથી વધારે પર પહોંચે ત્યારે એને સસ્પેન્શન પોઈન્ટ્સમાં કન્વર્ટ કરવામાં આવે છે અને તે ખેલાડી પર પ્રતિબંધ મૂકાય છે. બે સસ્પેન્શન પોઈન્ટ ભેગા થાય તો જે તે ખેલાડીને એક ટેસ્ટ કે બે વન-ડે ઈન્ટરનેશનલ કે બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાંથી પ્રતિબંધિત કરવામાં  આવે છે (જે પહેલાં રમાવાની હોય તે).

WTC ફાઈનલ મેચમાં ઓવર-દર ધીમો રાખવા બદલ ભારતીય ટીમને એની સમગ્ર મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાને મેચ ફીની 80 ટકા રકમનો દંડ કરાયો છે. ભારતે નિર્ધારિત સમયમાં પાંચ ઓવર જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર ઓવર ઓછી ફેંકી હતી.