ફાઇનલમાં હારતાં કોહલી, શર્મા પર ગુસ્સો વ્યક્ત કરતા ફેન્સ  

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રને ટીમ ઇન્ડિયા હારી ગયા પછી સોશિયલ મિડિયામાં લોકો ભારે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકો વિરાટ કોહલી પર નિશાન સાધી રહ્યા છે, કેમ કે IPLમાં શાનદાર પર્ફોર્મન્સ કરનાર કોહલી આ મેચમાં ખાસ કશું ઉકાળી શક્યો નહોતો. કોહલીની સાથે રોહિત શર્માને પણ લોકોએ આડે હાથ લીધો હતો. લોકો એ બંને જણને ટ્રોલ કરી રહ્યા છે.WTCની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ચોથી ઇનિંગ્સમાં 444 રન બનાવવાના હતા, પણ ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પ્રકારે ટીમ ઇન્ડિયા ફરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી, જ્યારે આ વખતે લોકોની અપેક્ષા હતી કે ટીમ ઇન્ડિયા ફાઇનલ જીતી જશે. જકે સોશિયલ મિડિયા પર લોકોના પ્રતિભાવ અને હાર પછી કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી.

કોહલીએ ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે મૌન મહાન શક્તિનો સ્રોત છે. કોહલીની સ્ટોરીને ફેન્સ અને ટીકાકારો અલગ-અલગ પ્રકારે લઈ રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની સતત બીજી વાર હાર છે. આ પહેલાં ભારત ન્યુ ઝીલેન્ડ સામે હારી ગયું હતું. એ સમયે કોહલી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ WTCની ફાઇનલમાં હાર ખમવી પડી હતી. આ હાર પછી રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો ઘણા નિરાશ દેખાયા હતા. આ હાર પછી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ નર્વસ થયા હતા.