ભારતીય ટીમનો બોલિંગ કોચ બનવા માગે છે શોએબ અખ્તર

મુંબઈઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અવારનવાર એવા નિવેદનો કરતો રહે છે જેને કારણે એ ચર્ચામાં રહે છે.

હવે એણે એક નવી વાત કરી છે. એણે ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અખ્તરની આ ઈચ્છાને કારણે હવે સૌનું ધ્યાન એની તરફ આકર્ષિત થયેલું રહેશે.

ભૂતપૂર્વ ઝંઝાવાતી ફાસ્ટ બોલર અખ્તરે તેની આ ઈચ્છા એક ઈન્ટરવ્યૂમાં વ્યક્ત કરી છે. એના ટેકામાં તેણે એમ કહ્યું છે કે એ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનીને પોતે ભારતમાં પોતાની જેવા ફાસ્ટ બોલરો બનાવવા માગે છે.

‘રાવલપીંડી એક્સપ્રેસ’ના હુલામણા નામે ઓળખાયેલા અખ્તરે હેલો એપ મારફત ઈન્ટરવ્યૂ આપતાં આમ કહ્યું.

એણે કહ્યું કે, ભારતીય ટીમમાં હાલ જસપ્રીત બુમહાર અને ભૂવનેશ્વર કુમાર જેવા ફાસ્ટ બોલરો છે, પણ જો મને બોલિંગ કોચ બનવાનો મોકો આપવામાં આવે તો હું ટીમનો બોલિંગ કોચ બનવાનું જરૂર પસંદ કરીશ.

અખ્તરને એ પણ સ્પષ્ટપણે જણાવ્યું કે જો એને આઈપીએલની ટીમનો કોચ બનવાનો મોકો આપવામાં આવે તો એ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે જોડાવાનું પસંદ કરશે.

શોએબ અખ્તરે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના બહુ વખાણ કર્યા છે. કહ્યું કે પંડ્યામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા છે.

એક અન્ય સવાલના જવાબમાં અખ્તરે કહ્યું કે, સચીન તેંડુલકર કરતાં એને રાહુલ દ્રવિડને આઉટ કરવાનું વધારે અઘરું પડતું હતું.